Surat News: સુરતના બારડોલી પાસે બે બસ વચ્ચે ભીષણ ટક્કર, એક બસ આગનો ગોળો બની, 7 લોકોના કરૂણ મોત
સુરત જિલ્લાના બારડોલી નજીક એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. બારડોલીના ઉવા ગામ પાસે બે એસ.ટી. (ST) બસો વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં 7 લોકોના મોત નીપજ્યા છે. આ અકસ્માત બાદ એક બસ પલટી મારી ગઈ હતી અને તેમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. સુરત કલેક્ટરે આ દુર્ઘટનામાં 7 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરી છે.
કેવી રીતે સર્જાયો આ ભયંકર અકસ્માત?
મળતી માહિતી અનુસાર, આ અકસ્માત બારડોલીના ઉવા ગામ નજીક હાઈવે પર થયો હતો. અકસ્માતનો ભોગ બનેલી બંને બસો મહારાષ્ટ્ર પાસિંગની સરકારી બસો હતી.
હાઈવે પર અગાઉથી જ એક ટેન્કર પલટી મારી ગયું હતું. પાછળથી આવી રહેલી બસના ડ્રાઈવરે ટેન્કર સાથેની ટક્કર બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ચક્કરમાં ડ્રાઈવરે બસના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવ્યા બાદ બસ ડીવાઈડર કૂદીને સામેની લેનમાંથી આવી રહેલી બીજી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
CNG બસ હોવાથી મિનિટોમાં જ બસ સળગી ઉઠી
સામસામે થયેલી આ ખતરનાક ટક્કરમાં એક બસ CNG હોવાના કારણે અકસ્માત થતાં જ તેમાં શોર્ટ સર્કિટ કે ગેસ લીકેજને લીધે ભયાનક આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આખી બસ આગનો ગોળો બની ગઈ હતી.
બચાવ કામગીરી: અકસ્માતને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.
અનેક મુસાફરો ઇજાગ્રસ્ત, હોસ્પિટલ ખસેડાયા
આ ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. આ સિવાય બસમાં સવાર અન્ય અનેક મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા મૃતકોની ઓળખ કરવાની અને અકસ્માત અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
<
