મધ્ય પ્રદેશના ઉપરવાસમાં અને Chhota Udepur જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે મુખ્ય જળાશયોમાં પાણીની ભારે આવક થઈ છે. જિલ્લાના સુખી અને રામી ડેમના જળસ્તરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ડેમોમાં પાણી આવતા સ્થાનિક ખેડૂતોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે.
રામી અને સુખી ડેમમાં ઐતિહાસિક વધારો
રામી ડેમમાં છેલ્લા ત્રણ દિવસમાં ઐતિહાસિક વધારો નોંધાયો છે. ત્રણ દિવસ અગાઉ ડેમ માત્ર ૧૯.૩૦ ટકા ભરાયેલો હતો, જે સતત આવકના કારણે વધીને ૮૨.૨૫ ટકા સુધી પહોંચી ગયો છે.
બીજી તરફ સુખી ડેમનો જળસંગ્રહ પણ વધીને ૮૩.૦૬ ટકા થયો છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા પાણી છોડવામાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.
રવિ અને ઉનાળુ પાક માટે મોટી રાહત
ડેમોમાં પાણીનો જથ્થો વધતાં રવિ અને ઉનાળુ પાક માટે સિંચાઈનું પાણી મળવાની આશા જીવંત બની છે.
જિલ્લામાં મકાઈ, ડાંગર, તુવેર અને સોયાબીન જેવા પાકનું વાવેતર કરનારા હજારો ખેડૂતોને આ પાણી સંગ્રહથી મોટો ફાયદો થશે. સાથે જ ભૂગર્ભ જળસ્તર ઊંચું આવવાથી પીવાના પાણીની સમસ્યા પણ ઉકેલાશે.
