અમેરિકા, ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટા હુમલા કરવાની વિચારણા વ્યક્ત કરી હતી.
ટ્રમ્પના આ નિવેદન બાદ ઇરાને આકરો જવાબ આપ્યો છે. ઇરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા કે ઇઝરાયેલ નવો હુમલો કરશે, તો તે સમગ્ર મધ્ય પૂર્વ (Middle East) માં ભારે તબાહી મચાવી દેશે.
ઇરાને તૈયાર કરી તબાહીની યાદી
તસ્નીમ ન્યૂઝના અહેવાલ મુજબ, તેહરાને અમેરિકાને જડબાતોડ જવાબ આપવા માટે એક વ્યાપક યોજના બનાવી છે. જો હુમલો થશે તો ઇરાન ખાડી દેશોના તેલ અને ગેસના મુખ્ય ઠેકાણાઓને નિશાન બનાવશે.
ઇરાનની આ હિટ લિસ્ટમાં નીચેના મુખ્ય સ્થળો સામેલ છે:
-
સાઉદી અરેબિયા: ઘાવર ઓઇલ ફીલ્ડ (જે વિશ્વના કુલ તેલ પુરવઠાનો ૫% થી વધુ હિસ્સો ધરાવે છે), અબકૈક અને ખુરાઇસ ફેસિલિટીઝ (જ્યાં રોજનું ૭૦ લાખ બેરલ તેલ પ્રોસેસ થાય છે).
-
યુએઈ (UAE): ઝાકુમ ઓઇલ ફીલ્ડ અને રૂવાઇસ રિફાઇનરી (જે દરરોજ ૧૦ લાખથી વધુ બેરલ તેલ પ્રોસેસ કરે છે).
-
કતર: નોર્થ ફીલ્ડ અને રાસ લાફાન (જે વિશ્વના ૨૦% એલએનજી વેપારને સંભાળે છે).
-
અન્ય દેશો: કુવૈતનું બુર્ગન ઓઇલ ફીલ્ડ, બહરીનની સિત્રા રિફાઇનરી તેમજ ઇઝરાયેલના લેવિયાથન અને તામર ગેસ ફીલ્ડ્સ.
ઇરાને આપી કડક ચેતવણી
ઇરાનના એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે અમેરિકાના કોઈપણ સંભવિત પગલાંનો સામનો કરવા માટે પૂર્ણ તૈયારી કરી લીધી છે.”
તેમણે ભૂતકાળના યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમેરિકાએ પોતાની જૂની ભૂલોનું પુનરાવર્તન ન કરવું જોઈએ.
ટ્રમ્પે હજુ આખરી નિર્ણય લીધો નથી
અમેરિકી અધિકારીએ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઇરાનના ઉર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઠેકાણાઓ પર લશ્કરી કાર્યવાહી અંગે ગંભીરતાથી વિચારી રહ્યા છે, પરંતુ તેમણે હજુ આખરી આદેશ આપ્યો નથી.
અહેવાલો અનુસાર, આ પ્રસ્તાવિત બોમ્બમારો ઇરાન પર દબાણ લાવવા માટે છે જેથી તે સીઝફાયર (યુદ્ધવિરામ) ની વાટાઘાટોમાં અમેરિકાની શરતો માની લે. જો આ તણાવ વધશે તો ઇરાન તરફથી ઇઝરાયેલ પર મિસાઇલ હુમલાઓ થવાની સંભાવના વધી જશે.
