સંસદમાં બે તૃતિયાંશ (2/3) બહુમતી મેળવવા માટે NDA સરકાર હવે એક મોટો અને નવો પ્લાન તૈયાર કરી રહી છે. 543 સભ્યોની લોકસભા માં કોઈપણ મોટા બંધારણીય સુધારા માટે 360 સભ્યોના સમર્થનની જરૂર પડે છે. આ જાદુઈ આંકડા સુધી પહોંચવા માટે સરકાર દરેક રાજ્યમાં લોકસભાની સીટો વધારવાના ફોર્મ્યુલા પર કામ કરી રહી છે.
દક્ષિણ ભારતના રાજ્યોની ચિંતા દૂર થશે
સરકાર લોકસભાની બેઠકોની સંખ્યામાં 50 ટકા સુધીનો વધારો કરવાનો પ્રસ્તાવ વિચારી રહી છે. દક્ષિણના રાજ્યોને ચિંતા છે કે વસ્તીના આધારે જો સીટોની વહેંચણી થશે, તો લોકસભામાં તેમનું રાજકીય વર્ચસ્વ ઘટી જશે. આ ચિંતાને દૂર કરવા માટે નવો ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો છે.
શું છે સરકારનો નવો ફોર્મ્યુલા?
-
બેઠકોનો રેશિયો: નવા ડ્રાફ્ટમાં 1971ની વસ્તી ગણતરીના આધારે રાજ્યો વચ્ચે સીટોનો હાલનો રેશિયો જાળવી રાખવાનો પ્રસ્તાવ છે.
-
નવી વસ્તી ગણતરી: સીટોનું નવું સીમાંકન (પરિસીમન) 2011ની વસ્તી ગણતરીના આધારે કરવામાં આવશે, કારણ કે હાલની વસ્તી ગણતરીના આંકડા હજુ સુધી આવ્યા નથી.
-
સીટોની સંખ્યા: વર્ષ 2029ની ચૂંટણી પહેલા લોકસભાની બેઠકો 543થી વધારીને વધુમાં વધુ 850 કરવામાં આવી શકે છે.
360 સીટોની કેમ છે જરૂર?
હાલમાં સત્તાધારી એનડીએ (NDA) પાસે લોકસભામાં લગભગ 300 સાંસદો છે અને 3 સીટો ખાલી છે. બંધારણમાં મોટો સુધારો કરવા માટે 360 સાંસદોનું સમર્થન જરૂરી છે. ગત એપ્રિલ મહિનામાં પૂરતી બહુમતી ન હોવાને કારણે સરકાર આ બિલ પસાર કરાવી શકી ન હતી. હવે જ્યારે સરકાર પાસે પૂરતું સંખ્યાબળ હશે, ત્યારે જ આ નવું બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે.
મહિલા અનામત ક્યારથી લાગુ થશે?
મહત્વનો બદલાવ: વર્તમાન કાયદા મુજબ, મહિલા અનામત 2034 પહેલા લાગુ થઈ શકે તેમ નથી. પરંતુ સરકાર ‘નારી શક્તિ વંદન અધિનિયમ’માં ફેરફાર કરીને તેને 2029ની લોકસભા ચૂંટણીથી જ લાગુ કરવા માંગે છે.
આ નવા સુધારા બિલ હેઠળ લોકસભાની સાથે-સાથે રાજ્યોની વિધાનસભાઓમાં પણ મહિલાઓ માટે 33 ટકા અનામત રાખવા માટે સીટો વધારવામાં આવશે. આ અનામત સીટો દરેક ચૂંટણીમાં રોટેશન પદ્ધતિથી બદલાતી રહેશે.
