ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં વર્ષ 2020 પછી પ્રથમ વખત ગુજરાતમાંથી 4 દિગ્ગજ નેતાઓને કેન્દ્રીય સ્તરે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમમાં ગુજરાતનું કદ નોંધપાત્ર રીતે વધ્યું છે. આ અગાઉ 2020થી 2023 સુધી ભારતીબહેન શિયાળ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહ્યા બાદ કેન્દ્રીય હોદ્દેદારોમાં કોઈ ગુજરાતી ચહેરાનો સમાવેશ થયો નહોતો.
નવી ટીમમાં યુવા નેતૃત્વ, સંગઠનાત્મક અનુભવ અને સોશિયલ મીડિયા એક્સપર્ટાઇઝને ધ્યાનમાં રાખીને 4 નેતાઓને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
ગુજરાતના 4 નેતાઓની નવી જવાબદારી અને પ્રોફાઇલ:
-
ડૉ. હેમાંગ જોશી (BJYM રાષ્ટ્રીય અધ્યક્ષ):
તેજસ્વી સૂર્યાના સ્થાને વડોદરાના સાંસદ અને ગુજરાત BJYM ચીફ 35 વર્ષીય ડૉ. હેમાંગ જોશીને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. MS યુનિવર્સિટીમાં ABVP પાંખથી સક્રિય રહેલા જોશી 2013થી ભાજપ સાથે જોડાયેલા છે.
-
વર્ષાબહેન દોશી (રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ):
સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પરથી 2007 અને 2012માં ધારાસભ્ય રહી ચૂકેલા અનુભવી મહિલા નેતા વર્ષાબહેનને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પદ સોંપાયું છે. તેઓ પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ મહેસાણા અને આણંદ જિલ્લાના સંગઠન પ્રભારી રહી ચૂક્યા છે.
-
જગદીશ ઈશ્વરભાઈ પટેલ (રાષ્ટ્રીય મંત્રી / સચિવ):
અમદાવાદની અમરાઈવાડી વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય (2019–2022) જગદીશ પટેલને કેન્દ્રીય સંગઠનમાં સ્થાન આપીને પક્ષે મોટું સરપ્રાઈઝ આપ્યું છે.
-
રોહન ગુપ્તા (રાષ્ટ્રીય મંત્રી / સચિવ):
કોંગ્રેસના પૂર્વ નેશનલ સોશિયલ મીડિયા હેડ અને એપ્રિલ 2024માં ભાજપમાં જોડાયેલા રોહન ગુપ્તાને કેન્દ્રીય સંગઠનમાં રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. ડિજિટલ કેમ્પેઈનિંગ અને પોલિટિકલ કમ્યુનિકેશનના તેમના બહોળા અનુભવને ધ્યાને રાખી આ જવાબદારી સોંપાઈ છે.
