નવી દિલ્હી / ન્યૂ જર્સી: અમેરિકાના ન્યૂ જર્સી સ્થિત ‘જર્સી શોર’ના સી આઈલ સિટી (Sea Isle City) બીચ પર બુધવારે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દરિયાકિનારે અચાનક એક પછી એક લગભગ 30 જેટલી નાની મૃત શાર્ક રેતી પર તણાઈ આવેલી જોવા મળી હતી. આશરે 10 બ્લોકના વિસ્તારમાં મૃત શાર્ક પથરાયેલી જોતાં સવારના સમયે મોર્નિંગ વોક માટે નીકળેલા સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.
એકસાથે આટલી બધી શાર્કનાં મોત કેવી રીતે થયાં?
શાર્કના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ સ્ટોકટન યુનિવર્સિટીના દરિયાઈ વૈજ્ઞાનિક સ્ટીફન નાગીવિચે આ ઘટના પાછળ કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે:
-
બાયકેચ (Bycatch) એટલે કે માછીમારીની જાળ: વૈજ્ઞાનિકોના મતે સૌથી પ્રબળ કારણ એ છે કે માછીમારોની જાળમાં આ શાર્ક અજાણતાં ફસાઈ ગઈ હશે. જ્યારે માછીમારો બીજી માછલીઓ પકડવા માટે જાળ નાખે છે, ત્યારે ઘણીવાર ડોગફિશ શાર્ક તેમાં ફસાઈ જાય છે. જાળમાંથી બહાર કાઢીને મૃત હાલતમાં તેમને દરિયામાં ફેંકી દેવાઈ હોય અને મોજાં સાથે કિનારે આવી ગઈ હોય તેવી પૂરી શક્યતા છે.
-
ખોવાયેલી જાળ: દરિયામાં છૂટી ગયેલી કે ખોવાયેલી માછીમારીની જાળમાં આખો શાર્કનો ઝૂંડ ફસાઈ ગયો હોવાની પણ શક્યતા છે.
-
ઝેરી પદાર્થની નહિવત સંભાવના: વૈજ્ઞાનિકોના મતે જો પાણીમાં કોઈ ગંભીર ઝેરી તત્વ હોત તો તેની અસર માણસો કે અન્ય જીવો પર પણ જોવા મળત, જે અત્યાર સુધી જોવા મળી નથી.
ડોગફિશ શાર્ક (Dogfish Shark) વિશે રસપ્રદ વિગતો
સ્થાનિક માછીમારોમાં આ શાર્કને ક્યારેક ‘જંક ફિશ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે અન્ય માછલીઓ માટે નાખેલો ચારો ખાઈ જાય છે. હાલ ન્યૂ જર્સીના પર્યાવરણ વિભાગ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
