દિલ્હીની AIIMS હોસ્પિટલમાં ‘પેસિવ યુથેનેશિયા’ (ઇચ્છા મૃત્યુ)ની પ્રક્રિયા હેઠળ દાખલ હરીશ રાણા ના કિસ્સાએ તબીબી જગતને આશ્ચર્યમાં મૂકી દીધું છે. છેલ્લા 10 દિવસથી ખોરાક અને પાણી બંધ હોવા છતાં તેમની તબિયતમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી.
શું છે સમગ્ર મામલો?
ગાઝિયાબાદના રહેવાસી 31 વર્ષીય હરીશ રાણા વર્ષ 2013થી કોમામાં છે. સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ તેમને AIIMSમાં ઈચ્છા મૃત્યુની પ્રક્રિયા માટે દાખલ કરવામાં આવ્યા હતા.
-
15 માર્ચથી પ્રવાહી ખોરાક બંધ: ડૉક્ટરોએ 15 માર્ચથી તેમનો ખોરાક બંધ કર્યો હતો.
-
17 માર્ચથી પાણી બંધ: છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી તેમને પાણી પણ આપવામાં આવ્યું નથી.
-
સ્થિર સ્થિતિ: સામાન્ય રીતે આટલા દિવસો સુધી અન્ન-જળ વગર શરીરમાં ગંભીર લક્ષણો દેખાય છે, પરંતુ હરીશની સ્થિતિ હજુ પણ સ્થિર છે.
ડૉક્ટરોનું શું કહેવું છે?
AIIMSના પેલિએટિવ કેર યુનિટના વડાના જણાવ્યા મુજબ, હરીશ છેલ્લા 13 વર્ષથી ઊંડા કોમામાં હોવાથી તેમનું શરીર કોઈ ખાસ પ્રતિક્રિયા આપી રહ્યું નથી. તેમને કોઈ પીડા ન થાય તે માટે પેઈન કિલર અને જરૂરી દવાઓ સતત આપવામાં આવી રહી છે. હોસ્પિટલનો ઉદ્દેશ્ય તેમની અંતિમ સફર શાંતિપૂર્ણ બનાવવાનો છે.
પરિવારની લાગણી
હરીશના પિતા અને પરિવાર બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાયેલા છે. તેઓ ઈચ્છે છે કે તેમનો પુત્ર કોઈપણ કષ્ટ વગર આ દુનિયામાંથી વિદાય લે. સોશિયલ મીડિયા પર હરીશનો એક ભાવુક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં તેમને આધ્યાત્મિક રીતે વિદાય આપવામાં આવી રહી છે.
પેસિવ યુથેનેશિયા માટે ખાસ મેડિકલ ટીમ
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એઈમ્સના ડોક્ટરોએ હરીશ રાણાનો લાઈફ સપોર્ટ હટાવવા માટે વિશેષ પ્લાન તૈયાર કર્યો હતો. આ પ્રક્રિયા દરમિયાન દર્દીની ગરિમા જળવાઈ રહે તે માટે ડો. સીમા મિશ્રાના નેતૃત્વમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ સતત દેખરેખ રાખી રહી છે. એનેસ્થેસિયાના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, આ પ્રક્રિયામાં પોષણ ધીમે ધીમે ઘટાડીને બંધ કરવામાં આવે છે અને પીડા રાહતની દવાઓ ચાલુ રખાય છે.
હરીશ રાણાનો ભાવુક વીડિયો
એઈમ્સમાં લાવતા પહેલા હરીશ રાણાનો એક ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જેમાં બ્રહ્માકુમારી સંસ્થાના એક દીદી હરીશના કપાળ પર તિલક લગાવીને કહેતા જોવા મળ્યા હતા કે, ‘બધાને માફ કરીને અને બધાની માફી માંગીને સૂઈ જા… ઠીક છે…’ આ વીડિયોએ જોઈને અનેક લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
