તહેવારો અને રજાઓના સમયગાળા દરમિયાન ખાનગી એરલાઇન્સ દ્વારા હવાઈ ટિકિટના દરોમાં કરવામાં આવતા તોતિંગ વધારા સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે આ મામલે કડક વલણ દાખવતાં જણાવ્યું કે, જો વિમાન કંપનીઓ મુસાફરોના હિતના નિયમોનું પાલન ન કરતી હોય તો તેમની ઉડાન જ તાત્કાલિક અસરથી રોકી દેવી જોઈએ.
-
કેન્દ્ર સરકારનું વલણ: સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ (ASG) અનિલ કૌશિકે કોર્ટને ખાતરી આપી હતી કે હવાઈ ભાડા અને આનુષંગિક ચાર્જિસ સંબંધિત નિયમનકારી નીતિ ઘડવાની કામગીરી અંતિમ તબક્કામાં છે, જેને પૂર્ણ કરવા વધુ ૩ અઠવાડિયાનો સમય લાગશે.
-
આગામી સુનાવણી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ૩ અઠવાડિયાની મુદત આપતાં વધુ સુનાવણી 7 સપ્ટેમ્બર 2026ના રોજ નિયત કરી છે.
-
અરજદારની માગ: સામાજિક કાર્યકર્તા એસ. લક્ષ્મીનારાયણ દ્વારા કરાયેલી અરજીમાં એરલાઇન્સની મનમાની અટકાવવા, ભાડા પર મર્યાદા (Capping) નક્કી કરવા તથા અસરકારક રેગ્યુલેટરી બોડીની રચના કરવાની રજૂઆત કરવામાં આવી છે.
-
કોર્ટનું અવલોકન: અગાઉ પણ સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે તહેવારો કે કટોકટી વખતે મુસાફરો પાસેથી અન્યાયી ભાડું વસૂલવું એ શોષણ સમાન છે, જેના પર નિયંત્રણ મૂકવું સરકારની ફરજ છે.
