ગુજરાત સરકારે મતદાર યાદી સુધારણા (SIR)ની કામગીરી બદલ BLO ને ₹4,000 અને સુપરવાઇઝરોને ₹6,000નું વધારાનું વન-ટાઇમ વિશેષ ભથ્થું આપવાની સત્તાવાર જાહેરાત કરી છે. નાણાં વિભાગની મંજૂરી બાદ સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ અંગેનો સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેનાથી રાજ્યના હજારો ફિલ્ડ કર્મચારીઓને મોટો આર્થિક લાભ થશે.
આ રકમ ચૂંટણી પંચ દ્વારા અગાઉથી નિર્ધારિત વાર્ષિક નિયમિત માનદ વેતન ઉપરાંત વધારાના લાભ તરીકે ચૂકવવામાં આવશે.
મળવાપાત્ર લાભોનું માળખું:
-
બૂથ લેવલ ઓફિસર (BLO): વાર્ષિક નિયમિત વેતન ₹12,000 ઉપરાંત ₹4,000 નું વિશેષ ભથ્થું.
-
BLO સુપરવાઇઝર: વાર્ષિક નિયમિત વેતન ₹18,000 ઉપરાંત ₹6,000 નું વિશેષ ભથ્થું.
ચુકવણીની પ્રક્રિયા: મદદનીશ મતદાર નોંધણી અધિકારી (AERO) દ્વારા ફિલ્ડ સ્ટાફની ફરજના દિવસો અને કામગીરીની ગુણવત્તાનું આકલન કરવામાં આવશે. યોગ્યતા ચકાસ્યા બાદ વાર્ષિક માનદ વેતન તેમજ વિશેષ ભથ્થાની કુલ રકમ કર્મચારીઓના બેંક ખાતામાં સીધી જમા કરી દેવામાં આવશે. આ નિર્ણયથી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે.
