અમદાવાદ: અમદાવાદ RTO ખાતે શરૂ કરાયેલા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક (ADTS)ને એક મહિનો પૂર્ણ થયો છે. સંપૂર્ણ ઓટોમેટેડ અને AI સેન્સર્સથી સજ્જ આ ટ્રેક પર અરજદારની નાનામાં નાની ભૂલ પણ તરત પકડાઈ જતી હોવાથી પાકું ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવું હવે ઘણું પડકારજનક બન્યું છે. પ્રથમ મહિનાના આંકડા મુજબ ફોર-વ્હીલર કેટેગરીમાં 80%થી વધુ લોકો ફેઈલ થયા છે, જ્યારે ટુ-વ્હીલરમાં પાસ થવાનો રેશિયો નોંધપાત્ર રીતે સારો રહ્યો છે.
પ્રથમ મહિનાના પરિણામોના મુખ્ય આંકડા
-
RTO ખાતે દૈનિક ધોરણે ટોકન સિસ્ટમ દ્વારા સરેરાશ 100 થી 110 ફોર-વ્હીલર અને 160 થી 180 ટુ-વ્હીલરના ટેસ્ટ લેવામાં આવે છે.
-
ભારે વરસાદની સ્થિતિમાં પણ AI સિસ્ટમ અવિરત અને ચોકસાઈપૂર્વક કાર્યરત રહી છે.
અરજદારો સૌથી વધુ ક્યાં ભૂલ કરે છે?
-
ફોર-વ્હીલર (કાર): ટેસ્ટમાં ફેઈલ થનારા ઉમેદવારોમાંથી લગભગ 80% લોકો પેરેલલ પાર્કિંગ (Parallel Parking) કરતી વખતે ભૂલ કરે છે.
-
ટુ-વ્હીલર (બાઈક/સ્કૂટર): ફેઈલ થનારા આશરે 85% અરજદારો છેલ્લા ટર્ન પાસે પગ નીચે મૂકી દેવાને (Foot Down) કારણે અયોગ્ય ઠરે છે.
ટેસ્ટમાં ફેઈલ થવાના મુખ્ય 3 કારણો
-
ધ્યાનનો અભાવ: ટેસ્ટ દરમિયાન ટ્રેક અને નિયમો પર પૂરતું ધ્યાન ન આપવું.
-
ડેમો વીડિયો પ્રત્યે બેદરકારી: ટેસ્ટ આપતાં પહેલાં બતાવવામાં આવતા ડેમો વીડિયોને ગંભીરતાથી ન જોવો અથવા તે સમયે મોબાઈલમાં વ્યસ્ત રહેવું.
-
અપૂરતી ડ્રાઈવિંગ સ્કીલ: પૂરતી પ્રેક્ટિસ અને યોગ્ય ટેકનિકલ કુશળતા વગર સીધા ટેસ્ટ આપવા પહોંચી જવું.
