અમેરિકન ફેડરલ રિઝર્વ (Fed) દ્વારા નાણાકીય નીતિની સમીક્ષા કરવા માટે પાંચ મુખ્ય ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટીમોમાં ભારતીય મૂળના 3 પ્રતિષ્ઠિત નિષ્ણાતોનો સમાવેશ કરાયો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન, હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી રાજ ચેટ્ટી અને માઇક્રોસોફ્ટના એક્ઝિક્યુટિવ આશા શર્માને આ ટાસ્ક ફોર્સમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.
ફેડરલ રિઝર્વના નવા ચેરમેન કેવિન વાર્શે મોનેટરી પોલિસીના વિવિધ પાસાઓની તપાસ કરવા માટે આ મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે.
કોને કઈ જવાબદારી મળી?
૧. રઘુરામ રાજન (બેલેન્સ શીટ પોલિસી)
રઘુરામ રાજનને બેલેન્સ શીટ પોલિસી ટાસ્ક ફોર્સમાં સ્થાન મળ્યું છે. આ પેનલ ફેડરલ રિઝર્વની વર્તમાન બેલેન્સ શીટ વ્યવસ્થાના ખર્ચ, લાભ અને અસરોની તપાસ કરશે. ગ્લોબલ ઇકોનોમીના ઊંડા જાણકાર હોવાથી રાજનની કુશળતા અહીં મહત્વની ભૂમિકા ભજવશે.
૨. રાજ ચેટ્ટી (ડેટા ટાસ્ક ફોર્સ)
હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રખ્યાત અર્થશાસ્ત્રી રાજ ચેટ્ટીની ડેટા ટાસ્ક ફોર્સમાં નિમણૂક કરવામાં આવી છે. આ ટીમ ફેડરલ રિઝર્વના નિર્ણયોમાં ઉપયોગમાં લેવાતા આર્થિક ડેટાની ગુણવત્તા અને સમયબદ્ધતા સુધારવા પર કામ કરશે. ચેટ્ટી રિયલ ટાઇમ ડેટાના વિશ્લેષણ માટે જાણીતા છે.
૩. આશા શર્મા (પ્રોડક્ટિવિટી એન્ડ જોબ્સ)
માઇક્રોસોફ્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને Xbox ના CEO આશા શર્માને પ્રોડક્ટિવિટી એન્ડ જોબ્સ ટાસ્ક ફોર્સમાં નિયુક્ત કરાયા છે. આ જૂથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સહિતની નવી ટેકનોલોજીની આર્થિક અસરોનું મૂલ્યાંકન કરશે.
કેવિન વાર્શે બદલાતા અર્થતંત્ર પર આપ્યો ભાર
ફેડરલ રિઝર્વના અધ્યક્ષ કેવિન વાર્શે જણાવ્યું કે અમેરિકન અર્થતંત્ર પાછલી પેઢીમાં ઘણું બદલાયું છે. આ બદલાતા સમયમાં પોલિસી મેકર્સના સાધનો, પદ્ધતિઓ અને અભિગમમાં સુધારો કરવો જરૂરી છે. આ ટાસ્ક ફોર્સમાં વિશ્વના અગ્રણી અર્થશાસ્ત્રીઓ અને બિઝનેસ લીડર્સ સામેલ કરાયા છે.
