તમિલનાડુના પ્રખ્યાત પલની દંડાયુધસ્વામી મંદિરની ૧.૪ એકર જમીનની નકલી દસ્તાવેજોના આધારે બોગસ રજિસ્ટ્રી કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ કૌભાંડ સામે આવતા જ મુખ્યમંત્રી વિજય જોસેફના નેતૃત્વવાળી ટીવીકે (TVK) સરકાર તુરંત એક્શનમાં આવી છે. સરકારે આ મામલે બે સરકારી અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.
આ રીતે આચરવામાં આવ્યું કરોડોનું કૌભાંડ
સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં દિંડીગુલના જિલ્લા રજિસ્ટ્રાર સસિકલા અને પલનીના સબ રજિસ્ટ્રાર જસ્ટિન મણીગંડન સામેલ છે. અહેવાલો અનુસાર, ત્રણ ખાનગી વ્યક્તિઓએ મળીને પહાડીની તળેટીમાં આવેલી મંદિરની કિંમતી જમીનની રજિસ્ટ્રી કરાવી લીધી હતી. આ જમીનનો ઉપયોગ મંદિર પ્રબંધન દ્વારા ફ્રી પાર્કિંગ માટે કરવામાં આવતો હતો.
દસ્તાવેજો મુજબ આ જમીન આશરે ૧૦૦ વર્ષ પહેલાં જ મઠના નામે કરી દેવાઈ હતી. પરંતુ મુરુગદાસ નામના વ્યક્તિએ તેને પોતાની પૂર્વજોની જમીન ગણાવીને અન્ય બે લોકોને વેચી દીધી હતી.
કમાન્ડિંગ સબ રજિસ્ટ્રારની બદલી અને નવો વળાંક
મંદિર પ્રબંધન દ્વારા છેલ્લા એક વર્ષથી રજિસ્ટ્રાર ઓફિસને પત્રો લખીને આ જમીનની રજિસ્ટ્રી ન કરવા જાણ કરવામાં આવી હતી. માર્ચ મહિનામાં પણ આ જમીનની રજિસ્ટ્રીનો પ્રયાસ થયો હતો, પરંતુ તત્કાલીન રજિસ્ટ્રારે તેને નકારી કાઢી હતી.
જોકે, ૧ જુલાઈના રોજ રજિસ્ટ્રી કરવાનો ઇનકાર કરનાર સબ રજિસ્ટ્રારની બદલી થઈ ગઈ હતી. ત્યારબાદ નવા આવેલા સબ રજિસ્ટ્રાર જસ્ટિન મણીગંડને ચાર્જ સંભાળતા જ ૬ જુલાઈના રોજ આ જમીનની બોગસ રજિસ્ટ્રી મંજૂર કરી દીધી હતી.
મદ્રાસ હાઈકોર્ટે રજિસ્ટ્રી રદ કરવા આપ્યો આદેશ
આ મામલો સામે આવ્યા બાદ ભારે હોબાળો મચ્યો હતો. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે રજીસ્ટ્રેશન વિભાગની એફઆઈઆર (FIR) ની નોંધ લઈને આ બોગસ રજિસ્ટ્રીને તાત્કાલિક રદ કરવાનો આદેશ આપ્યો છે.
આ સાથે જ રાજ્યના ડીજીપી (DGP) મહેશ કુમાર અગ્રવાલે આ સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ-CID (CB-CID) ને સોંપી દીધી છે. તમિલનાડુ સરકારે ખાતરી આપી છે કે તપાસમાં જે પણ દોષિત સાબિત થશે, તેને કડકમાં કડક સજા કરવામાં આવશે.
