TAT Exam Controversy: ગુજરાતમાં ૧૧ હજાર વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા હાલ કાનૂની વિવાદમાં સપડાઈ છે. ટાટ (TAT) પરીક્ષામાં ૧૮ ગુણના ખોટા પ્રશ્નો મુદ્દે સેંકડો ઉમેદવારોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજીઓ કરી છે. આ કેસની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ એક મહત્વની દરખાસ્ત રજૂ કરી છે. સરકારે જણાવ્યું કે કેસનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી અરજદારો માટે ૫૦૦ બેઠકો ખાલી રાખવામાં આવે. બાકીની ૧૦,૫૦૦ જગ્યાઓ પર ભરતી કરવાની મંજૂરી આપવામાં આવે.
ઉમેદવારોનો વિરોધ: પસંદગીની જગ્યા નહીં મળે
બીજી તરફ, અરજદાર ઉમેદવારોએ સરકારની આ દરખાસ્તનો જોરદાર વિરોધ કર્યો છે. તેમની દલીલ છે કે માત્ર ૫૦૦ બેઠકો ખાલી રાખવાથી તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે. જો આ પદ્ધતિ અપનાવવામાં આવશે, તો મેરિટ લિસ્ટ ખોરવાઈ જશે અને ઉમેદવારોને તેમની પસંદગીના જિલ્લા કે શાળામાં નોકરી મળી શકશે નહીં.
ઉમેદવારોની માંગ છે કે ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે મેરિટ લિસ્ટના આધારે જ થવી જોઈએ. આ બાબતને સ્પષ્ટ કરવા માટે તેમણે કોર્ટમાં એક સ્પેશિયલ ચાર્ટ પણ રજૂ કર્યો હતો.
હાઈકોર્ટે ઉમેદવારોને શું ટકોર કરી?
સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે ઉમેદવારોને આકરા સવાલો કર્યા હતા. કોર્ટે પૂછ્યું કે, જો કોર્ટ સરકારને ૫૦૦ જગ્યાઓ અનામત રાખવાનો આદેશ કરે તો તમને શું વાંધો છે?
કોર્ટે ઉમેદવારોને ટકોર કરતા કહ્યું:
-
માત્ર ૫૦૦ ઉમેદવારોના વિવાદના કારણે સમગ્ર ૧૧ હજારની ભરતી પ્રક્રિયા અટકાવવી યોગ્ય નથી.
-
સરકારને બાકીની ૧૦,૫૦૦ જગ્યાઓ ભરવા દેવી જોઈએ.
-
કેસના ગુણદોષના આધારે જે પણ આખરી ચુકાદો આવશે, તે દરેક પક્ષને બંધનકર્તા રહેશે.
શું છે સમગ્ર વિવાદ?
અરજદારોનો દાવો છે કે ટાટ પરીક્ષામાં ૧ થી ૧૮ પ્રશ્નો ખોટા હતા, જેથી તેમને આ પ્રશ્નોના પૂરા માર્ક્સ મળવા જોઈએ. હાલ પૂરતું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડીને નિમણૂક પત્રો ન આપવા માટે કોર્ટમાં દાદ માંગવામાં આવી છે.
સામે પક્ષે સરકારે દલીલ કરી છે કે આ સવાલો ખોટા છે કે નહીં તે કોર્ટ નક્કી કરે તે પછી જ માર્કસ આપી શકાય. જો અત્યારે આવી રાહત આપવામાં આવશે, તો બીજા ૫ હજાર ઉમેદવારો પણ એક-એક પ્રશ્ન માટે કોર્ટમાં આવી જશે અને ભરતી ક્યારેય પૂરી નહીં થાય.
હાઈકોર્ટે આ મામલે વધુ સુનાવણી આગામી બુધવાર પર મુલતવી રાખી છે.
