અમેરિકન ટેકનોલોજી કંપની આઇબીએમ (IBM) ના શેરમાં મંગળવારે 25% થી વધુનો મોટો ઘટાડો નોંધાયો છે. આ કડાકો કંપનીના છેલ્લા 60 વર્ષના ઇતિહાસમાં એક જ દિવસનો સૌથી મોટો ઘટાડો છે. 1987ના ઐતિહાસિક ‘બ્લેક મંડે’ માર્કેટ ક્રેશ કરતાં પણ આ નુકસાન ટકાવારીની દ્રષ્ટિએ મોટું માનવામાં આવે છે.
બીજા ત્રિમાસિક ગાળાની નબળી કામગીરી અને કમાણી ઘટવાની ચેતવણી આપ્યા બાદ રોકાણકારોએ શેરોની ભારે વેચવાલી કરી હતી.
ગ્રાહકોના બદલાતા વલણને સમજવામાં નિષ્ફળતા
IBM ના પતન પાછળનું સૌથી મોટું કારણ વૈશ્વિક માર્કેટમાં આવી રહેલો મોટો બદલાવ છે. હાલમાં તમામ નાની-મોટી કંપનીઓ એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર પાછળનો પોતાનો ખર્ચ ઘટાડી રહી છે. આ નાણાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચાઈ રહ્યા છે. કંપનીઓ અત્યારે સર્વર્સ, નેટવર્કિંગ સાધનો અને મેમરી ચિપ્સ ખરીદવા પાછળ વધુ ભાર આપી રહી છે.
ભવિષ્યમાં AI હાર્ડવેર મોંઘું થવાની અટકળોને કારણે કંપનીઓએ આ નિર્ણય લીધો છે. IBM આ અચાનક આવેલા મોટા બદલાવ સાથે તાલ મિલાવવામાં નિષ્ફળ રહી છે.
CEO અરવિંદ ક્રિષ્નાએ સ્વીકારી પોતાની ભૂલ
સામાન્ય રીતે કોઈ પણ કંપનીના સીઈઓ (CEO) પોતાની નબળાઈઓ આટલી ખુલ્લેઆમ સ્વીકારતા નથી. પરંતુ IBM ના ભારતીય મૂળના CEO અરવિંદ ક્રિષ્નાએ રોકાણકારોને લખેલા પત્રમાં આ ભૂલ સ્વીકારી છે. તેમણે જણાવ્યું કે ગ્રાહકો આટલી ઝડપથી તેમની ખર્ચ કરવાની પ્રાથમિકતાઓ બદલી નાખશે તેનો તેઓ અંદાજ લગાવી શક્યા ન હતા. જૂન મહિનાના છેલ્લા થોડા અઠવાડિયામાં જ ગ્રાહકોએ તેમનો મૂડી ખર્ચ સોફ્ટવેરથી હટાવીને AI હાર્ડવેર પાછળ વાળી દીધો હતો.
આ કારણે IBM ના ઘણા મોટા એન્ટરપ્રાઇઝ કોન્ટ્રાક્ટ સમયસર પૂર્ણ થઈ શક્યા નથી. આ ઘટના દર્શાવે છે કે ટેકનોલોજી સેક્ટરમાં અત્યારે આખી દુનિયા માત્ર અને માત્ર AI ના વિકાસ તરફ આગળ વધી રહી છે.
