યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના કારણે વૈશ્વિક એનર્જી માર્કેટમાં મોટો ફેરફાર થયો છે. ભારતને મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ સપ્લાય કરનાર રશિયા, હવે ભારત પાસેથી જ રિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ખરીદવા મજબૂર બન્યું છે. જૂન મહિનામાં ભારતના કુલ ક્રૂડ ઓઇલની આયાતમાં 52% હિસ્સો એકલા રશિયાનો હતો. પરંતુ હવે રશિયા પોતે ભારતનો નવો ગ્રાહક બની ગયું છે.
રશિયા કેમ ભારત પાસેથી ઇંધણ ખરીદી રહ્યું છે?
આ અણધાર્યા બદલાવ પાછળનું મુખ્ય કારણ યુક્રેનની સૈન્ય વ્યૂહનીતિ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી યુક્રેનના ડ્રોન સતત રશિયાના ઓઇલ રિફાઇનરી પ્લાન્ટ્સ પર હુમલા કરી રહ્યા છે. આ હુમલાઓમાં રશિયાની રિફાઇનિંગ ક્ષમતાને મોટું નુકસાન પહોંચ્યું છે. તેના કારણે રશિયામાં સ્થાનિક સ્તરે ઇંધણની અછત ઊભી થઈ છે. પરિણામે મોસ્કોને વિદેશથી ઇંધણ ખરીદવાની ફરજ પડી છે.
શિપિંગ ડેટા અનુસાર, રશિયાનું ગેસોલિન ઉત્પાદન ઘટીને પ્રતિદિન 3,08,000 બેરલ થઈ ગયું છે. આ છેલ્લા 21 વર્ષમાં તેનું સૌથી નીચું સ્તર છે. સતત થતા હુમલા અને રિપેરિંગના કામના કારણે આગામી સમયમાં પણ આ સ્થિતિમાં મોટો સુધારો થવાની આશા ઓછી છે.
ભારતીય રિફાઇનર્સ માટે કમાણીની મોટી તક
રશિયાએ ભારત પાસેથી પ્રારંભિક તબક્કે 64,000 મેટ્રિક ટન પેટ્રોલની ખરીદી કરી છે. આ તો માત્ર શરૂઆત છે. આ ખાધને પૂરી કરવા માટે મોસ્કો ભારત અને અન્ય સપ્લાયર્સ પાસેથી દર મહિને 40,000,000 ટન જેટલું ઇંધણ આયાત કરવાની યોજના બનાવી રહ્યું છે.
ભારતીય ઓઇલ રિફાઇનર્સ માટે આ સમયગાળો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. જુલાઈ 2026માં ભારતની રિફાઇન્ડ પ્રોડક્ટ્સની નિકાસ ચાલુ વર્ષના સર્વોચ્ચ માસિક સ્તરે પહોંચવાના સંકેત છે.
વૈશ્વિક બજારમાં વધતું જોખમ અને ગુજરાત કનેક્શન
આ યુદ્ધે ઊર્જા વેપારના સમીકરણો સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. ગુજરાતમાં આવેલી ‘નાયારા એનર્જી’ની રિફાઇનરીમાં રશિયાની સરકારી કંપની રોસનેફ્ટ 49% હિસ્સો ધરાવે છે.
રશિયાનું ક્રૂડ ઓઇલ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામનગર નજીક આવેલા વાડિનાર પોર્ટ પર આવે છે. આ ક્રૂડ ઓઇલ અહીં રિફાઇન થાય છે. ત્યારબાદ દરિયાઈ માર્ગે તેને ફરી રશિયાના વ્હાઇટ સી પર આવેલા વિટિનો પોર્ટ પર મોકલવામાં આવી રહ્યું છે.
