દેશમાં પત્ની દ્વારા પતિની હત્યાના કિસ્સા સતત વધી રહ્યા છે. સિયા ગોયલ, સોનમ રઘુવંશી અને મુસ્કાન બાદ હવે વધુ એક પત્નીની ઘાતકી લીલા સામે આવી છે. આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં એક ૧૯ વર્ષની પત્નીએ પ્રેમી સાથે મળીને પોતાના જ પતિની નિર્મમ હત્યા કરી નાખી છે.
ભગવાનના આશીર્વાદ લેવાના બહાને બોલાવ્યો
આ કેસની મુખ્ય આરોપી મહિલાનું નામ હસિની છે. ૨૩ વર્ષનો મૃતક રમેશ તમિલનાડુનો રહેવાસી હતો અને હોસૂરમાં પ્રાઇવેટ નોકરી કરતો હતો. બે વર્ષ પહેલા જ તેના લગ્ન હસિની સાથે થયા હતા. તેમને એક નાની દીકરી પણ છે.
હસિનીએ દીકરી માટે ભગવાનના આશીર્વાદ લેવાના બહાને રમેશને મંદિર આવવા તૈયાર કર્યો હતો. રમેશને અંદાજ પણ નહોતો કે તેની પત્ની જ મોતના કાવતરાની માસ્ટરમાઇન્ડ છે.
વોટ્સએપ પર લોકેશન શેર કરીને રસ્તો બતાવ્યો
પોલીસ તપાસમાં સામે આવ્યું કે હસિનીને તેના બાળપણના મિત્ર યુગંધર સાથે અફેર હતું. રમેશને રસ્તામાંથી હટાવવા બંનેએ ખતરનાક પ્લાન બનાવ્યો હતો.
જ્યારે રમેશ બાઇક લઈને મલ્લપ્પા કોંડા પહાડીઓ પર આવેલા મંદિર તરફ જઈ રહ્યો હતો, ત્યારે હસિની પાછળ બેસીને તેના પ્રેમીને સતત લાઈવ લોકેશન મોકલી રહી હતી. પ્રેમી યુગંધર તેના સાથીદારો સાથે આગળ જ જાળ બિછાવીને ઊભો હતો.
નાની દીકરીની સામે જ પતિનો ખેલ ખતમ કર્યો
પહાડી રસ્તાના ત્રીજા વળાંક પાસે હસિનીએ ચાલુ બાઇકે પોતાનું હેન્ડબેગ નીચે ફેંકી દીધું. રમેશે બેગ લેવા માટે બાઇક થોભાવી. તે જેવો નીચે ઉતર્યો કે તરત જ અંધારામાંથી પ્રેમી અને તેના ગુંડાઓ બહાર આવ્યા.
રમેશે જીવ બચાવવા જંગલ તરફ ૧૦૦ મીટર સુધી દોટ મૂકી. પરંતુ હુમલાખોરોએ તેને પકડી લીધો અને ધારદાર હથિયારોના ઘા ઝીંકીને મારી નાખ્યો. આ આખી ઘટના માસૂમ દીકરીની નજર સામે જ બની હતી.
સીસીટીવી (CCTV) અને મોબાઈલ લોકેશને ખોલી પોલ
જ્યારે મોડે સુધી પરિવાર ઘરે ન ફર્યો ત્યારે હસિનીની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પોલીસે મંદિરના રસ્તા પરના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. ફૂટેજમાં જોવા મળ્યું કે જતી વખતે હસિની પતિ સાથે હતી, પણ પાછા ફરતી વખતે તે અન્ય બે પુરુષો સાથે બાઇક પર જઈ રહી હતી.
પોલીસે જીપીએસ (GPS) લોકેશન અને કોલ ડિટેલ્સના આધારે જંગલમાંથી રમેશની લાશ શોધી કાઢી હતી. પોલીસે હસિની, તેના પ્રેમી યુગંધર અને બે સાથીદારોની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત લગ્ન સમયે હસિની સગીર હતી કે નહીં તેની પણ તપાસ શરૂ કરાઈ છે.
