જો તમારા ઘરમાં અચાનક રાંધણ ગેસ ખતમ થઈ જાય, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમારે ગેસ સિલિન્ડર માટે દિવસો સુધી રાહ જોવી નહીં પડે. ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ સ્વિગી ઇન્સ્ટામાર્ટ (Swiggy Instamart) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) એ ભાગીદારી કરીને એક ખાસ સર્વિસ શરૂ કરી છે.
આ સુવિધા હેઠળ ગ્રાહકોને માત્ર ૧૦ જ મિનિટમાં એલપીજી (LPG) સિલિન્ડરની હોમ ડિલિવરી મળશે.
ક્યાં શરૂ થઈ આ સર્વિસ અને કયા સિલિન્ડર મળશે?
આ ખાસ સુવિધાની શરૂઆત હાલમાં બેંગલુરુના પસંદગીના વિસ્તારોમાં કરવામાં આવી છે. આ વિસ્તારોમાં જ્યાં સ્વિગી ઇન્સ્ટામાર્ટ કાર્યરત છે, ત્યાં ગ્રાહકો આનો લાભ લઈ શકશે.
આ સર્વિસ હેઠળ ગ્રાહકો નીચે મુજબના સિલિન્ડર ઓર્ડર કરી શકશે:
-
HP Navya ૧૦ કિલોગ્રામ કમ્પોઝિટ સિલિન્ડર: આ નવું સિલિન્ડર સ્ટીલના સિલિન્ડર કરતાં ઘણું હલકું છે. તેમાં કાટ લાગતો નથી અને તેનો ખાસ પારદર્શક ડિઝાઇન ગેસનું સ્તર સરળતાથી બતાવે છે.
-
HPCL ૫ કિલોગ્રામ મેટલ સિલિન્ડર: આ નાનું સિલિન્ડર નાના પરિવારો, વિદ્યાર્થીઓ અને ભાડે રહેતા લોકો માટે ખૂબ ઉપયોગી છે.
આ રીતે કરો ઓનલાઇન બુકિંગ
સ્વિગી ઇન્સ્ટામાર્ટ પરથી ગેસ સિલિન્ડર બુક કરવાની પ્રોસેસ ખૂબ જ સરળ છે:
-
સૌથી પહેલા તમારા ફોનમાં Swiggy એપ ઓપન કરો અને Instamart સેક્શનમાં જાઓ.
-
ત્યાં સર્ચ બારમાં HPCL LPG Cylinder લખીને સર્ચ કરો.
-
તમારી જરૂરિયાત મુજબનું સિલિન્ડર પસંદ કરો અને ઓર્ડર કન્ફર્મ કરો.
ઓર્ડર બુક થયા પછી ડિલિવરી સંપૂર્ણપણે સુરક્ષા નિયમો સાથે HPCL ના રજિસ્ટર્ડ ડિસ્ટ્રિબ્યુટર અને ટ્રેન્ડ સ્ટાફ દ્વારા જ તમારા ઘરે કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ આ પગલાંને આવકાર્યું
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ નવી સર્વિસની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે ડિજિટલ ઈન્ડિયા અને ઈઝ ઓફ લિવિંગ (Ease of Living) ને પ્રોત્સાહન આપવાની દિશામાં આ એક મોટું પગલું છે. આનાથી ગ્રાહકોને ખૂબ મોટી સુવિધા મળશે અને સ્વચ્છ ઈંધણ લોકો સુધી સરળતાથી પહોંચશે.
જો આ મોડલ બેંગલુરુમાં સફળ રહેશે, તો આગામી સમયમાં દેશના અન્ય મોટા શહેરોમાં પણ ૧૦ મિનિટમાં એલપીજી ડિલિવરી શરૂ કરવામાં આવશે.
