Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીય

લંડનમાં બે ટ્રેનો વચ્ચે ભયાનક ટક્કર: ડ્રાઈવરનું મોત, 80થી વધુ મુસાફરો લોહીલુહાણ, અનેક લોકોના હાડકા ભાંગ્યા

લંડનમાં બે ટ્રેનો વચ્ચે ભયાનક ટક્કર: ડ્રાઈવરનું મોત, 80થી વધુ મુસાફરો લોહીલુહાણ, અનેક લોકોના હાડકા ભાંગ્યા

બ્રિટનની રાજધાની લંડનમાંથી એક ખૂબ જ મોટા અને કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. લંડનના ઉત્તરી ભાગમાં આવેલા બેડફોર્ડ વિસ્તારમાં શુક્રવારે સાંજે બે ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ દર્દનાક અકસ્માતમાં એક ટ્રેનના ડ્રાઈવરનું મોત નીપજ્યું છે, જ્યારે 80થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાંથી 11 લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય રહ્યું છે.

ઉભેલી ટ્રેનને પાછળથી બીજી ટ્રેને મારી ટક્કર

રેલ ટ્રેકિંગ વેબસાઈટના જણાવ્યા અનુસાર, આ બંને ટ્રેનો લંડનના સેન્ટ પેનક્રાસ સ્ટેશન તરફ જઈ રહી હતી. બેડફોર્ડ શહેરની બહાર સ્થાનિક સમય મુજબ સાંજે 5:15 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. અહીં પાટા પર એક ટ્રેન પહેલેથી જ ઉભી હતી અને પાછળથી આવતી બીજી ટ્રેને તેને જોરદાર ટક્કર મારી દીધી હતી. રાહતની વાત એ હતી કે ટક્કર સમયે ટ્રેનની સ્પીડ બહુ વધારે નહોતી, છતાં આટલી મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.

‘ચારેય તરફ લોહીલુહાણ લોકો અને ચીસાચીસ હતી’

આ અકસ્માતનો ભોગ બનેલા એક મુસાફર પીટર નેપે આ ભયાનક મંજરની આપવીતી સંભળાવી છે. તેમણે જણાવ્યું કે, ‘હું પાછળની ટ્રેનમાં સવાર હતો. અકસ્માત પહેલા કોઈ ચેતવણી આપવામાં આવી નહોતી. અચાનક જોરદાર ઝટકો લાગ્યો અને હું સામેની સીટ સાથે ભટકાયો. મારી આસપાસ ધુમાડો ફેલાઈ ગયો હતો અને લોકો ચીસો પાડી રહ્યા હતા. મેં જોયું તો અનેક લોકોના પગ તૂટી ગયા હતા અને તેઓ લોહીલુહાણ હાલતમાં હતા. હું પોતે ઘણો પાતળો હોવાથી દરવાજા વચ્ચેની જગ્યામાંથી માંડ-માંડ બહાર નીકળી શક્યો હતો.’

લંડન ટ્રેન દુર્ઘટનાની મુખ્ય વિગતો:

  • ઘટના સ્થળ: બેડફોર્ડ વિસ્તાર, ઉત્તરી લંડન

  • નુકસાન: ટ્રેન ડ્રાઈવરનું મોત, 80થી વધુ ઘાયલ (11 અતિ ગંભીર)

  • ટ્રેનો: કોર્બીથી સેન્ટ પેનક્રાસ અને નોટિંગહામથી સેન્ટ પેનક્રાસ જતી ટ્રેનો

  • અસર: લંડન સેન્ટ પેનક્રાસ સ્ટેશનની તમામ ટ્રેનો રદ કરાઈ

ઘટનાસ્થળે એર એમ્બ્યુલન્સ સહિતનો મોટો કાફલો તૈનાત

દુર્ઘટનાની જાણ થતાં જ લંડનની ઈમરજન્સી સર્વિસ, એર એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્કયૂ ટીમે ટ્રેનની અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. રેલવે કર્મચારીઓની યુનિયન RMTએ આ ઘટના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.

આ અકસ્માત બાદ ઈસ્ટ મિડલેન્ડ્સ રેલવેએ સેન્ટ પેનક્રાસ સ્ટેશન તરફ આવતી અને જતી તમામ ટ્રેનોને શુક્રવાર માટે કેન્સલ કરી દીધી હતી. હાલ રેલવે વહીવટીતંત્ર દ્વારા અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

સંબંધિત પોસ્ટ્સ

ઈરાનમાં 88 દિવસ બાદ ઈન્ટરનેટ શરૂ થતાં લોકોની વેદના છલકાઈ, અમેરિકા-ઈઝરાયેલ અને પોતાની સરકાર પર ફૂટ્યો ગુસ્સો

praxpatel

દિલ્હીમાં છઠ્ઠા દિવસે પણ હવા ઝેરી, AQI 387: ધુમ્મસના કારણે આજે પણ ઘણી ફ્લાઇટ્સ રદ; 24 કલાકમાં 27થી વધુ ફ્લાઇટ્સ રદ

Gujarat Plus

અમેરિકાના દરિયાકિનારે એકસાથે 30 જેટલી મૃત શાર્ક તણાઈ આવી: રહસ્યમય ઘટનાથી સ્થાનિકોમાં ફફડાટ

praxpatel