ઓડિશાના પુરીમાં જગપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન એક દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે. રથયાત્રાના પ્રથમ દિવસે જ લાખો ભક્તોની ભારે ભીડ એકઠી થઈ હતી. આ ભીડમાં અચાનક નાસભાગ મચી જતાં ગૂંગળામણના કારણે એક શ્રદ્ધાળુનું મોત નીપજ્યું છે. આ અફરાતફરીમાં અન્ય અનેક ભક્તો પણ ઈજાગ્રસ્ત થયા છે.
રથ ખેંચતી વખતે સર્જાઈ દોડધામ
ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથોને જ્યારે મુખ્ય મંદિરથી બહાર લાવવામાં આવી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ભગવાનના રથ ખેંચવા અને દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. અતિશય ગીચતાના કારણે શ્વાસ લેવામાં તકલીફ થતાં એક શ્રદ્ધાળુ અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
બચાવ કામગીરી અને તબીબી સહાય
ઘટનાની જાણ થતાં જ સ્પેશિયલ રેસ્ક્યુ યુનિટ (SRU)ની ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ભીડમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પુરીની મેડિકલ કોલેજ અને નજીકની હોસ્પિટલોમાં ખસેડાયા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્ર દ્વારા વધારાની સુરક્ષા અને મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી છે.
પુરીમાં ભારે વરસાદથી જળબંબાકાર
દુર્ઘટના વચ્ચે પુરીમાં મુશળધાર વરસાદ પણ મુશ્કેલી વધારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં અંદાજે 200 મિલીમીટર જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આ કારણે નીચાણવાળા વિસ્તારો અને રથયાત્રાના રૂટ પર પાણી ભરાઈ ગયા છે. આવાસ અને શહેરી વિકાસ મંત્રી કૃષ્ણ ચંદ્ર મહાપાત્રએ જાતે પરિસ્થિતિની સમીક્ષા કરી છે. તેમણે રસ્તાઓ પરથી પાણી હટાવવા માટે હાઈ-કેપેસિટી પંપિંગ યુનિટ્સ કાર્યરત કરવા કડક આદેશ આપ્યા છે.
