પોતાનું ઘર ખરીદવું એ દરેક ભારતીયનું સપનું હોય છે અને આ સપનું પૂરું કરવા માટે લાખો લોકો હોમ લોન (Home Loan) નો સહારો લે છે. પરંતુ ઘણીવાર મોટા ઘરની ઘેલછા અને ક્ષમતા કરતાં વધુ લોન લેવાનો નિર્ણય આગામી 20થી 30 વર્ષ સુધી તમારી આખી જિંદગી પર અસર કરે છે.
લોકો સામાન્ય રીતે માત્ર માસિક હપ્તા (EMI) પર જ ધ્યાન આપે છે, પણ એ નથી જોતા કે સમગ્ર ટેન્યુઅર (મુદ્દત) દરમિયાન બેંકને કુલ કેટલું વ્યાજ ચૂકવવું પડે છે. 50 લાખ રૂપિયાની હોમ લોન પર 20 વર્ષમાં બેંકને મુળ રકમ કરતાં લગભગ અઢી ગણી એટલે કે આશરે ₹1.25 કરોડ જેટલી રકમ ચુકવવી પડે છે.
લોન કરતાં અઢી ગણી રકમ કેમ ચૂકવવી પડે છે?
જો કોઈ વ્યક્તિ 20થી 30 વર્ષની મુદત માટે ₹50 લાખની હોમ લોન લે છે, તો વ્યાજ દરના આધારે તેણે બેંકને કુલ ₹1.10 કરોડથી ₹1.35 કરોડ સુધી ચુકવવા પડી શકે છે. આવું એટલા માટે થાય છે કારણ કે લાંબા ગાળા સુધી વ્યાજ સતત ઉમેરાતું રહે છે. માત્ર ઓછો EMI જોઈને મોટી લોન લેવી એ સમજદારી નથી, કારણ કે લાંબા ગાળે વ્યાજનો બોજ ખૂબ વધી જાય છે.
માત્ર EMI નહીં, બદલાઈ શકે છે આખી લાઈફસ્ટાઈલ
દર મહિને નક્કી તારીખે EMI ભરવો ફરજિયાત હોવાથી ઘણા પરિવારોને પોતાના ખર્ચમાં કાપ મુકવો પડે છે. ફરવા જવું, વેકેશન, રેસ્ટોરન્ટમાં જમવું કે અન્ય શોખ ધીમે-ધીમે ઓછા કરવા પડે છે. એટલું જ નહીં, લોકોને પોતાની SIP બંધ કરવી પડે છે અથવા રિટાયરમેન્ટ માટેનું રોકાણ પાછળ ઠેલવું પડે છે, જેની સીધી અસર ભવિષ્યનું ફંડ બનાવવા પર પડે છે.
કરિયર અને મેડિકલ ઈમરજન્સી પર પણ અસર
-
નોકરી બદલવામાં જોખમ: મોટો EMI હોવાને કારણે લોકો વધુ સારા વિકલ્પ હોવા છતાં નોકરી બદલવાનું કે નવો બિઝનેસ શરૂ કરવાનું જોખમ લઈ શકતા નથી.
-
ઈમરજન્સી ફંડનો અભાવ: આવકનો મોટો હિસ્સો EMIમાં જતો રહેવાથી મેડિકલ ઈમરજન્સી કે બાળકોના અભ્યાસ માટે બચત નથી રહેતી. આવી સ્થિતિમાં પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડ લેવું પડે છે, જેનાથી દેવું વધુ વધે છે.
બેંક જેટલી લોન આપે, શું એટલી લેવી જરૂરી છે?
બેંક તમારી આવકના આધારે લોનની પાત્રતા નક્કી કરે છે, પણ તમારી ભવિષ્યની જવાબદારીઓ નથી જોતી. તેથી બેંક આપે છે એટલા માટે જ મોટી લોન ન લેવી જોઈએ. સામાન્ય રીતે હોમ લોનનો EMI તમારી માસિક આવકના 30% થી 35% થી વધુ ન હોવો જોઈએ, જેથી બચત અને અન્ય ખર્ચ માટે પૈસા બચી રહે.
હોમ લોન લેતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો:
-
જરૂરિયાત મુજબ ઘર પસંદ કરો: માત્ર મોટા ઘરના આકર્ષણમાં આવીને બજેટ ન બગાડો.
-
વધુ ડાઉન પેમેન્ટ કરો: ડાઉન પેમેન્ટ જેટલું વધારે હશે, લોનની રકમ અને વ્યાજ બંને એટલાં જ ઓછા થશે.
-
અન્ય ખર્ચ ગણો: સ્ટેમ્પ ડ્યુટી, રજીસ્ટ્રેશન, ઈન્ટિરિયર, મેઈન્ટેનન્સ અને પ્રોપર્ટી ટેક્સને પણ બજેટમાં સામેલ કરો.
-
ઈમરજન્સી ફંડ રાખો: ઓછામાં ઓછું 6 થી 12 મહિનાનું ઈમરજન્સી ફંડ અલગ રાખો જેથી નોકરી કે આવક સંબંધિત સમસ્યા આવે તો પણ EMI ભરી શકાય.
યાદ રાખો: ઘર તમને સુરક્ષા અને શાંતિ આપવા માટે હોય છે, તણાવ આપવા માટે નહીં. તેથી હોમ લોન લેતા પહેલાં વર્તમાન આવકની સાથે ભવિષ્યના આયોજનનો વિચાર કરવો પણ એટલો જ જરૂરી છે.
