ICC : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મેચ ફિક્સિંગ અને ભ્રષ્ટાચાર સામે સખત વલણ અપનાવતા ભારતીય મૂળના અમેરિકન ક્રિકેટર બોડુગુમ અખિલેશ રેડ્ડી (Bodugum Akhilesh Reddy) પર 8 વર્ષનો લાંબો પ્રતિબંધ લાદી દીધો છે. આઈસીસીની એન્ટી-કરપ્શન ટ્રિબ્યુનલે અખિલેશ રેડ્ડીને એન્ટી-કરપ્શન કોડના ત્રણ ગંભીર ઉલ્લંઘન માટે દોષિત ઠેરવ્યા છે.
અબુ ધાબી T10 લીગ સાથે જોડાયેલો છે કેસ
આ સમગ્ર મામલો 2025 અબુ ધાબી T10 લીગનો છે. આ ટુર્નામેન્ટ દરમિયાન આઈસીસીની તપાસમાં સામે આવ્યું હતું કે અખિલેશ રેડ્ડીએ મેચના પરિણામો અને રમતને ખોટી રીતે પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત, તેણે અન્ય એક ખેલાડીને પણ ફિક્સિંગમાં સામેલ થવા માટે ઉશ્કેર્યો હતો.
તપાસ દરમિયાન તેણે પોતાના મોબાઈલમાંથી મહત્વનો ડેટા અને ચેટ્સ ડિલીટ કરી દીધી હતી જેથી તપાસ એજન્સીને પુરાવા ન મળી શકે. ટ્રિબ્યુનલે પુરાવા નષ્ટ કરવાના આ કૃત્યને ગંભીર ગુનો ગણ્યો હતો. આઈસીસીએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રતિબંધ 21 નવેમ્બર 2025થી અમલી ગણાશે, જ્યારે તેમને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
હૈદરાબાદ અને IPL સાથે પણ જોડાયેલું છે કનેક્શન
26 વર્ષીય અખિલેશ રેડ્ડીનો જન્મ અમેરિકામાં થયો હતો પરંતુ તેનો ઉછેર હૈદરાબાદમાં થયો હતો. તેણે પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે વિજય હજારે ટ્રોફી માટે હૈદરાબાદની ટીમમાં સ્થાન મેળવ્યું હતું. તે આઈપીએલ ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) નો નેટ બોલર પણ રહી ચૂક્યો છે. બાદમાં તે વધુ તકોની શોધમાં અમેરિકા પરત ફર્યો હતો.
અખિલેશ રેડ્ડીએ યુએસએની રાષ્ટ્રીય ટીમ તરફથી 4 T20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી અને 1 વિકેટ પણ ઝડપી હતી. પરંતુ હવે ફિક્સિંગના કેસમાં દોષી ઠર્યા બાદ તેનું ક્રિકેટ કરિયર લગભગ સમાપ્ત થઈ ગયું છે.
