સિનેમા જગતમાં ફિલ્મી પરિવારમાંથી આવતા દરેક કલાકારને સફળતા નથી મળતી. પરંતુ કેટલાક કલાકારો પોતાની મહેનતથી અલગ ઓળખ બનાવે છે. આવા જ એક પ્રતિભાશાળી અભિનેત્રી પ્રીતિ ગાંગુલી હતા. જાણીતા અભિનેતા અશોક કુમારની પુત્રી પ્રીતિએ ફિલ્મી પરિવારની છત્રછાયા હોવા છતાં પોતાની મહેનતથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. ૧૭ મેના રોજ આ દિવંગત અભિનેત્રીની જન્મજયંતિ છે.
પિતા, કાકા અને બનેવી ત્રણેય હતા સુપરસ્ટાર
પ્રીતિ ગાંગુલીનો જન્મ એક એવા પરિવારમાં થયો હતો જ્યાં ચારેય તરફ કલાકારો હતા:
-
પિતા: સુપરસ્ટાર અશોક કુમાર (દાદા મુનિ)
-
કાકા: લેજેન્ડરી ગાયક અને અભિનેતા કિશોર કુમાર
-
બનેવી: જાણીતા કોમેડી અભિનેતા દેવેન વર્મા
આટલા મોટા નામો વચ્ચે રહેવા છતાં પ્રીતિએ પોતાની અલગ ઓળખ બનાવવા માટે કોમેડી પસંદ કરી હતી. ૧9૭0 અને ૮0ના દાયકામાં તેમણે પોતાની અદભુત કોમિક ટાઈમિંગથી દર્શકોને ખૂબ હસાવ્યા હતા.
પિતા અશોક કુમારે આપી હતી જીવનની મોટી શીખ
એક ઇન્ટરવ્યુમાં પ્રીતિ ગાંગુલીએ પિતા સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો હતો. તેમણે જણાવ્યું:
“હું જ્યારે ચોથા ધોરણમાં ભણતી હતી, ત્યારે એક દિવસ બાબુજી (અશોક કુમાર) મને સ્કૂલેથી લેવા આવ્યા હતા. તેમની મોટી ગાડી જોઈને હું બહુ ખુશ થઈ ગઈ અને દોડીને જવા લાગી. પરંતુ રસ્તામાં જ હું પડી ગઈ. જ્યારે હું શરમાઈને ગાડીમાં બેઠી, ત્યારે બાબુજીએ હસીને કહ્યું – ક્યારેય હવામાં ન ઉડવું, નહિતર એક નાનો કાંકરો પણ તમને ઠોકર મારીને પાડી શકે છે.”
પિતાને જ માનતા હતા પોતાના આદર્શ
પ્રીતિ ગાંગુલી કહેતા કે પિતાની આ શીખ તેઓ જિંદગીભર ભૂલ્યા નહોતા. અશોક કુમાર ખૂબ જ સરળ અને નમ્ર સ્વભાવના માણસ હતા. પ્રીતિ પણ પિતાની આ સાદગીને પોતાનો આદર્શ માનતા હતા. ફિલ્મી પરિવારમાંથી હોવા છતાં તેમણે ક્યારેય સફળતાનું ઘમંડ કર્યું ન હતું.
‘ખટ્ટા મીઠા’ ફિલ્મથી મેળવી મોટી ઓળખ
પ્રીતિ ગાંગુલીને આજે પણ બસુ ચેટર્જીની ૧૯૭૮માં આવેલી ક્લાસિક ફિલ્મ ‘ખટ્ટા મીઠા’ (Khatta Meetha) માટે યાદ કરવામાં આવે છે. આ ફિલ્મમાં તેમણે અમિતાભ બચ્ચનની દીવાની બનેલી ‘ફ્રેની સેઠના’ની શાનદાર ભૂમિકા ભજવી હતી. તેમની આ કોમેડી સ્ટાઈલ આજે પણ સિનેમાપ્રેમીઓમાં લોકપ્રિય છે.
