Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

નેપાળમાં ટનલ રેસ્ક્યૂ બન્યું મોટો પડકાર: ૫ ફૂટ ભીના કાટમાળ વચ્ચે ફસાયેલા મજૂરોને બચાવવા જહેમત, ભારતે મોકલી રાહત સામગ્રીની ચોથી ખેપ

નેપાળમાં જળપ્રલય બાદ ત્રિશૂલી હાઇડ્રોપાવર ટનલમાં ૫ ફૂટ કાદવ વચ્ચે બચાવ કામગીરી જારી છે. ભારતે ૧૧ ટન રાહત સામગ્રી, DNA એક્સપર્ટ્સ અને સ્ટીલ બ્રિજના સાધનો સાથે ચોથી સહાય ખેપ મોકલી છે

નેપાળમાં ચીન સરહદેથી આવેલા વિનાશક પૂર અને ભારે વરસાદે સર્જેલી તબાહી વચ્ચે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સૌથી મોટો પડકાર ત્રિશૂલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા નિર્દોષ મજૂરોને સુરક્ષિત બહાર કાઢવાનો છે. ટનલની અંદર ૪ થી ૫ ફૂટ સુધી ચીકણો અને ભીનો કાટમાળ જામી ગયો હોવાથી બચાવ ટીમો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ટનલમાં સતત પાણીનો ભરાવો અને કાદવના થર હોવા છતાં સ્થાનિક સેના અને રાહત દળો દરેક મિનિટે જીવના જોખમે મજૂરો સુધી પહોંચવા મથી રહ્યા છે.

ભારતે મોકલી રાહત સામગ્રીની ચોથી ખેપ સંકટની આ ઘડીમાં ભારતે ફરી એકવાર પાડોશી ધર્મ નિભાવતાં નેપાળ માટે રાહત સામગ્રીની ચોથી ખેપ રવાના કરી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેનાનું C-130 ટ્રાન્સપોર્ટ વિમાન ૧૧ ટન રાહત સામગ્રી સાથે શનિવારે રાત્રે કાઠમંડુ પહોંચી ગયું છે. આ વખતે મોકલાયેલી સહાયમાં ટનલ રેસ્ક્યૂ માટેના આધુનિક સર્ચ એન્ડ રેસ્ક્યૂ સાધનો સાથે વિશેષ ટેકનિકલ ટીમ પણ સામેલ છે.

DNA અને ફોરેન્સિક એક્સપર્ટ્સની મદદ આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં ૭૩૪ મૃતદેહો મળી આવ્યા છે, જેમાંથી માત્ર ૨૨ મૃતદેહોની જ ઓળખ શક્ય બની છે. મોટી સંખ્યામાં બિનવારસી મૃતદેહો અને હોસ્પિટલોમાં શબગૃહની અછતના કારણે સ્થાનિક વહીવટીતંત્ર માટે મૃતકોની ઓળખ કરવી અતિ ગંભીર સમસ્યા બની ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખી ભારતે વિશેષ ફોરેન્સિક કિટ્સ અને DNA વિશ્લેષણના નિષ્ણાતોની ટીમ મોકલી છે. આ ઉપરાંત કાટમાળમાં તૂટી ગયેલા રસ્તાઓને જોડવા માટે ૨૩૦ ફૂટ લાંબા સિંગલ-લેન મોડ્યુલર સ્ટીલ બ્રિજ બનાવવા જરૂરી સાધનો સાથે ૧૬ ટ્રકો પણ રોડ માર્ગે નેપાળ પહોંચી ગઈ છે.

ભારત તરફથી અત્યાર સુધી ૬૮.૫ ટન સહાય ભારત સરકારે નેપાળ માટે અત્યાર સુધીમાં દવાઓ, પોર્ટેબલ જનરેટર, ફૂડ પેકેટ્સ, વોટર પ્યુરિફાયર ટેબ્લેટ્સ અને અન્ય ટેકનિકલ સાધનો સહિત કુલ ૬૮.૫ ટન રાહત સામગ્રી એરલિફ્ટ કરી છે.

પ્રાથમિક તપાસ અને સેટેલાઇટ વિઝ્યુઅલ્સ મુજબ, ચીનના શિઝેંગ ક્ષેત્રના ગિરોંગ કાઉન્ટીમાં હિમાલયન ગ્લેશિયર તૂટી પડવાના કારણે આ ભયાનક ફ્લેશ ફ્લડ અને મડસ્લાઇડ સર્જાયા હતા, જેણે સરહદી વિસ્તારોમાં જળતાંડવ મચાવ્યો છે.

સંબંધિત પોસ્ટ્સ

ગાંધીનગરમાં શિક્ષકોનો હલ્લાબોલ: TET ફરજિયાત કરવાના નિર્ણય સામે રાજ્યવ્યાપી ઉગ્ર વિરોધ

praxpatel

બિહાર પેટાચૂંટણી: બાંકીપુર બેઠક પર ભાજપના ઉમેદવાર બદલાયા, અભિષેક બંટીની જગ્યાએ નીરજ સિંહા મેદાનમાં

praxpatel

ક્યાં સુધી યુદ્ધનો ભોગ બનશે ભારતીયો? યુક્રેનમાં વધુ એક જહાજ પર હુમલા બાદ બે ક્રૂ મેમ્બર ગુમ

praxpatel