રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાંથી રક્ષાબંધનના પર્વ ટાણે જ કાળજુ ધ્રૂજાવી દે તેવી અત્યંત દર્દનાક ઘટના સામે આવી છે. ધૌંધ બિરજા ગામ નજીક આવેલા સુપ્રસિદ્ધ લોકદેવતા હીરામન બાબા મંદિરે દર્શન કરવા આવેલા એક જ પરિવારના ચાર સભ્યોના કૂંડ (તળાવ)માં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. પાણીમાં ડૂબી રહેલા ભાઈને બચાવવાના ચક્કરમાં એક પછી એક ત્રણ બહેનો ઊંડા પાણીમાં કૂદી પડી હતી, પરંતુ કમનસીબે ચારેય માસૂમો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
સેલ્ફી લેતી વખતે લપસ્યો પગ નથુઆપુરા ગામના રહેવાસી લાયક સિંહ ગુર્જરનો ૨૩ વર્ષીય પુત્ર ભોલુ ઉર્ફે રવિ રક્ષાબંધન બાદ આવતી બીજના પર્વ નિમિત્તે પોતાની બહેનો સાથે હીરામન બાબાના મંદિરે દર્શન માટે આવ્યો હતો. બહેનો જ્યારે મંદિર પરિસરમાં પૂજા-અર્ચના કરી રહી હતી, ત્યારે ભોલુ પરિસરમાં આવેલા કૂંડમાં સ્નાન કરવા ગયો હતો. પ્રાથમિક તપાસ મુજબ, સ્નાન કરતી વખતે ભોલુ કૂંડના કિનારે ઊભા રહીને મોબાઈલથી સેલ્ફી લઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક પગ લપસતાં તે ઊંડા પાણીમાં ખાબક્યો હતો અને ડૂબવા લાગ્યો હતો.
ભાઈની ચીસ સાંભળી બહેનો કૂદી પડી ભાઈ દેખાતો ન હોવાથી તેની બહેનો કૂંડ તરફ દોડી આવી હતી. ભોલુને ઊંડા પાણીમાં તરફડિયાં મારતો જોઈને તેને બચાવવા માટે ૩૦ વર્ષીય મનોરમા, ૩૬ વર્ષીય બોટો અને ૨૧ વર્ષીય પિતરાઈ બહેન નિશા જીવના જોખમે એક પછી એક કૂંડમાં કૂદી પડી હતી. કૂંડમાં પાણીનું સ્તર ઘણું ઊંડું હોવાને કારણે અને તરતાં ન આવડતું હોવાથી બહેનો પણ પાણીના વહેણમાં ફસાઈ ગઈ હતી. જોતજોતામાં ભાઈ સહિત ત્રણેય બહેનો પાણીમાં ડૂબી ગઈ હતી.
રેસ્ક્યૂ ટીમ પહોંચી, પરિવારમાં આક્રંદ બનાવની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. આંગઈ અને સરમથુરા પોલીસ સ્ટેશનનો કાફલો SDRF તથા સ્થાનિક ગોતાખોરો સાથે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ભારે જહેમત બાદ ત્રણેય બહેનોના મૃતદેહ બહાર કઢાયા હતા, જ્યારે કલાકોની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા હતા. તહેવારના માહોલમાં એક જ ઘરના ચાર આધારસ્તંભ સમાન સંતાનોના એકસાથે અર્થી ઊઠતાં સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
