પંજાબના સંગરૂરમાં ભારત-અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત ટ્રેડ ડીલ અને અન્ય લાંબા સમયથી લટકતી માગોને લઈને ખેડૂતો એ ફરી એકવાર મોટો મોરચો ખોલ્યો છે. ભારતીય કિસાન યુનિયન (એકતા ઉગરાહાં)ના નેતૃત્વ હેઠળ સેંકડો ખેડૂતો પોતાના ટ્રેક્ટર-ટ્રોલીઓ સાથે સંગરૂર સ્થિત ડેપ્યુટી કમિશનર (DC) કાર્યાલય પહોંચી ગયા છે. ખેડૂતોએ વહીવટી કચેરીના બંને મુખ્ય રસ્તાઓ પર ઘેરાબંધી કરીને અચોક્કસ મુદતના ધરણાની જાહેરાત કરી દીધી છે.
ટ્રેક્ટર-ટ્રોલીઓને બનાવી દીધું હંગામી આશિયાનું આ વખતે ખેડૂતો લાંબી લડાઈ લડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ધરણા સ્થળ પર પહોંચેલી ટ્રેક્ટર-ટ્રોલીઓને ખેડૂતોએ રહેવા અને ખાવા-પીવાની સુવિધાથી સજ્જ કરી દીધી છે. ટ્રોલીઓમાં ખાટલા પાથરી દેવાયા છે, રસોઈ માટે ગેસના ચૂલા અને મહિનાઓ ચાલે તેટલું રાશન પણ સાથે લાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, કાળઝાળ ગરમી અને બફારાથી બચવા માટે ટ્રેક્ટર-ટ્રોલીઓમાં પંખા લગાવવામાં આવ્યા છે અને કેટલીક ખાસ ટ્રોલીઓમાં તો એર કંડિશનર (AC) સુધીની સુવિધાઓ ઊભી કરાઈ છે. ખેડૂતોની આ તૈયારીઓ દર્શાવે છે કે તેઓ માગો પૂરી ન થાય ત્યાં સુધી પાછા હટવાના નથી.
ટ્રેડ ડીલ અને ૧૩ મુખ્ય માગો સામે વિરોધ ખેડૂતોના આ આકરા વિરોધ પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા વિચારણા હેઠળ રહેલી ભારત-અમેરિકા ટ્રેડ ડીલ છે. ખેડૂતોનું માનવું છે કે આ વેપાર કરાર લાગુ થવાથી દેશના કૃષિ ક્ષેત્રને મોટો ફટકો પડશે અને તેમની આવક જોખમમાં મુકાઈ જશે. આ ઉપરાંત ખેડૂતોની ૧૩ મુખ્ય માગોમાં સામેલ છે:
-
તમામ પાકો પર લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની કાનૂની ગેરંટી
-
ખેડૂતો અને ખેતમજૂરોની સંપૂર્ણ દેવામાફી
-
નવી રાષ્ટ્રીય કૃષિ નીતિનો અમલ
-
જમીન સંપાદન સાથે જોડાયેલા વિવાદોનું તાત્કાલિક નિરાકરણ
આરપારની લડાઈના સંકેત ભારતીય કિસાન યુનિયન એકતા ઉગરાહાંના આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પ્રશાસન અને સરકાર તેમની માગો પર નક્કર ખાતરી નહીં આપે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે. હાલ સંગરૂર કલેક્ટર કચેરી બહાર ટ્રેક્ટર-ટ્રોલીઓનો વિશાળ કાફલો જામ્યો છે, જેના કારણે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
