organ donation : ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પવિત્ર પર્વ રક્ષાબંધન ટાણે અમદાવાદની સિવિલ હોસ્પિટલ સ્થિત ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (IKDRC) ખાતેથી હૃદયસ્પર્શી વિગતો સામે આવી છે. રક્ષાબંધને સામાન્ય રીતે ભાઈ બહેનની રક્ષાનું વચન આપે છે અને ભેટ આપે છે, પરંતુ અહીં છેલ્લા પાંચ વર્ષમાં 41 બહેનોએ પોતાના વહાલસોયા ભાઈઓને પોતાની કિડની દાન કરીને સાચા અર્થમાં ‘જીવન રક્ષા’ ની અનોખી ભેટ આપી છે.
મુખ્ય મુદ્દા (Highlights):
-
IKDRC માં છેલ્લા 5 વર્ષમાં 41 બહેનોએ ભાઈઓને અને 6 ભાઈઓએ બહેનોને કિડની દાન કરી.
-
કિડની ડોનેટ કરનારી મોટાભાગની બહેનો 31 થી 60 વર્ષની વયજૂથની છે.
-
કુલ 45 મહિલાઓએ (41 ભાઈ માટે, 4 બહેન માટે) અને 27 પુરુષોએ ભાઈ-બહેન માટે અંગદાન કર્યું.
-
IKDRC ના વડા ડૉ. પ્રાંજલ મોદીએ સ્ત્રીના ત્યાગ અને સંવેદનાને બિરદાવી અંગદાનને શ્રેષ્ઠ ઉપહાર ગણાવ્યો.
સિવિલ હોસ્પિટલ (IKDRC) માં 5 વર્ષના કિડની ડોનેશનના આંકડા:
| અંગદાતા (Donor) | મેળવનાર (Recipient) | સંખ્યા |
| બહેન દ્વારા | ભાઈને | 41 |
| બહેન દ્વારા | બહેનને | 4 |
| ભાઈ દ્વારા | ભાઈને | 21 |
| ભાઈ દ્વારા | બહેનને | 6 |
| કુલ કેસો | — | 72 |
“બહેને મને નવજીવન આપ્યું”
તાજેતરમાં જ પોતાની બહેન પાસેથી કિડની મેળવનાર દર્દીએ ભાવુક થઈને જણાવ્યું કે, સામાન્ય રીતે રક્ષાબંધને ભાઈ બહેનને ગિફ્ટ આપે છે, પરંતુ મારી બહેને પોતાનું અંગ આપીને મને નવું આયુષ્ય બક્ષ્યું છે જેનો ઋણ હું ક્યારેય ચૂકવી શકીશ નહીં.
IKDRC ના હેડ ડૉ. પ્રાંજલ મોદીના જણાવ્યા અનુસાર, સંવેદના, ત્યાગ અને મક્કમ નિર્ધાર સ્ત્રીના સાચા ઘરેણાં છે. આ જ કારણે પરિવારમાં માતા કે બહેન અંગદાનના નિર્ણયોમાં હંમેશાં અગ્રેસર રહે છે. કોઈને નવજીવન આપવું એનાથી મોટો કોઈ રક્ષાનો સંકલ્પ હોઈ શકે નહીં.
