નેપાળમાં ૨૬ ઓગસ્ટે ત્રાટકેલા પ્રલયકારી ફ્લેશ ફ્લડે સરહદી વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો છે. પર્વતો પરથી ધસી આવેલા કાટમાળ, પથ્થરો અને પાણીના ધસમસતા પ્રવાહે ગામડાં, પુલ અને રસ્તાઓને તહસનહસ કરી નાખ્યા છે. આ કુદરતી હોનારતની સીધી અસર નેપાળ-તિબેટ સરહદ પર આવેલા ચીનના વિસ્તારોમાં પણ થઈ છે. જોકે, આ ભયાનક આફત વચ્ચે ચીન સરકારની માહિતી નિયંત્રણ પ્રણાલી ફરી એકવાર શંકાના દાયરામાં આવી ગઈ છે. તિબેટના સ્થાનિક લોકો દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા તબાહીના વાસ્તવિક વીડિયો ડિલીટ કરવામાં આવી રહ્યા હોવાના દાવા સામે આવ્યા છે.
ગ્યિરોંગ બોર્ડર પર તબાહી અને સેન્સરશિપના દાવા નેપાળ અને ચીન વચ્ચેના અત્યંત મહત્ત્વપૂર્ણ વેપાર માર્ગ ગ્યિરોંગ (Gyirong) ખાતે પહાડ પરથી કાદવ અને પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ વીડિયો ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર થોડા સમય માટે રહ્યો અને ત્યારબાદ તેને હટાવી દેવામાં આવ્યો. ચીની વહીવટીતંત્રના સત્તાવાર નિવેદન મુજબ, ગ્યિરોંગ વિસ્તારમાં ૫૫૮ જેટલા લોકો ગુમ થયા છે અને ત્રણ લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. જોકે, સ્વતંત્ર નિષ્ણાતો અને વિશ્લેષકોનું માનવું છે કે જમીની સ્તર પર નુકસાન આ આંકડા કરતાં ઘણું મોટું હોઈ શકે છે.
સરકારી પ્રચાર અને ગ્રાઉન્ડ રિયાલિટી વચ્ચેનો તફાવત નેપાળ તરફથી પૂરની ભયાનક તસવીરો અને પત્રકારોના અહેવાલો દુનિયા સમક્ષ સતત પહોંચી રહ્યા છે, જ્યારે ચીન તરફથી માત્ર સત્તાવાર પીઆર (PR) મશીનરી સક્રિય દેખાઈ રહી છે. ચીની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆ અને પીપલ્સ ડેઇલી માત્ર હેલિકોપ્ટર, લશ્કરી જવાનો અને મોટા પાયે ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશનના ફૂટેજ પ્રસારિત કરી રહ્યા છે. જમીની વાસ્તવિકતા અને લોકોની મુશ્કેલીઓને બદલે શી જિનપિંગના નિર્દેશો અને સફળ રાહત કામગીરી પર જ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
નેપાળમાં મોટી જાનહાનિ, ભારતીય નાગરિકો પણ ફસાયા નેપાળમાં આ પૂરના કારણે સ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યાં મૃત્યુઆંક ૬૭૫ને પાર પહોંચ્યો છે અને ૨,૪૦૦થી વધુ લોકો ગુમ છે. આ પૂરની ઝપેટમાં સરહદી વિસ્તારોમાં રહેલા સેંકડો ભારતીય નાગરિકો પણ આવ્યા હતા. વિદેશ મંત્રાલય અનુસાર, અત્યાર સુધીમાં ૧૦૮ ભારતીયોને બચાવી લેવાયા છે અને સેંકડો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે, જ્યારે ૨૭૫થી વધુ ભારતીયો હજુ પણ ગુમ હોવાથી શોધખોળ ચાલી રહી છે.
બીજી તરફ, ચીને એવી અફવાઓનું ખંડન કર્યું છે કે પૂર ચીનના કોઈ ડેમ તૂટવાને કારણે આવ્યું છે. ચીની રાજદૂતે સ્પષ્ટતા કરી છે કે નેપાળ તરફ ભૂકંપ બાદ હિમશીલા તૂટવાથી અને ભૂસ્ખલનને કારણે આ જળપ્રલય સર્જાયો હતો. તેમ છતાં, ગ્યિરોંગમાંથી સ્થાનિક વીડિયો ગાયબ થવાની ઘટનાએ ચીનની પારદર્શિતા સામે સવાલો જરૂર ઊભા કર્યા છે.
