૯૦ના દાયકાના અંત અને ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં ટેલિવિઝન પર હોરર અને એડવેન્ચર આધારિત શોનો જોરદાર ક્રેઝ હતો. તે સમયે ૨૦૦૩માં ટેલિકાસ્ટ થયેલો સુપ્રસિદ્ધ ટીવી શો ‘વિકરાલ ઔર ગબરાલ’ દર્શકોનો ઓલટાઈમ ફેવરિટ શો બની ગયો હતો. આ શોમાં મહાનાયક વિકરાલ સાથે ભૂત-પ્રેતોને પકડવામાં મદદ કરતો નાનો અને તોફાની ‘ગબરુ’ દરેક ઘરનો લાડકો હતો. ગબરુનું આઇકોનિક પાત્ર ભજવીને દેશભરમાં જાણીતા બનેલા એક્ટર કેકે ગોસ્વામી (કૃષ્ણકાંત ગોસ્વામી) લાંબા સમય બાદ જાહેરમાં જોવા મળતાં જ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
કુકૂ કોહલીની પ્રેયર મીટમાં પહોંચ્યા કેકે ગોસ્વામી લાંબા સમયથી ટીવી સ્ક્રિન અને ફિલ્મોથી દૂર રહેલા કેકે ગોસ્વામી તાજેતરમાં બોલિવૂડના દિવંગત દિગ્દર્શક કુકૂ કોહલીની પ્રેયર મીટમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં વિકી કૌશલ, કેટરિના કૈફ સહિત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ સિતારાઓ ઉપસ્થિત હતા, ત્યાં કેકે ગોસ્વામીને જોતાં જ પાપારાઝી અને ચાહકોનું ધ્યાન તેમના તરફ ખેંચાયું હતું. વર્ષો બાદ તેમને આ રીતે સામે જોઈને સોશિયલ મીડિયા પર ફેન્સની બાળપણની યાદો તાજી થઈ ગઈ હતી. યૂઝર્સે કમેન્ટ સેક્શનમાં લખ્યું કે, ‘અમારા બાળપણનો ગબરાલ, આ શો અમારો ફેવરિટ હતો’ અને ઘણા લોકોએ તેમના ફરી સ્ક્રીન પર કમબેક કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ઓછી હાઈટના મહેણાંથી સ્ટારડમ સુધીની સફર કેકે ગોસ્વામીનો જન્મ ૩ સપ્ટેમ્બર ૧૯૭૩ના રોજ બિહારના મુઝફ્ફરપુરમાં થયો હતો. તેમનું પૂરું નામ કૃષ્ણકાંત ગોસ્વામી છે. તેમની ઊંચાઈ માત્ર ૧.૧૫ મીટર (લગભગ ૩ ફૂટ ૯ ઇંચ) છે. પ્રારંભિક જીવનમાં તેમને પોતાની ઓછી હાઈટને કારણે ભારે મજાક અને ટોણાં સહન કરવા પડ્યા હતા. પરંતુ પોતાની આ શારીરિક ખામીને જ તેમણે પોતાની સૌથી મોટી તાકાત બનાવી અને અભિનયની દુનિયામાં એક અનોખી ઓળખ ઊભી કરી.
તેમણે ‘વિકરાલ ઔર ગબરાલ’ ઉપરાંત ‘હાતિમ’, ‘શ્શ્શ્શ… કોઈ હૈ’, ‘શાકા લાકા બૂમ બૂમ’, ‘સીઆઈડી’ અને ‘ગુટર ગૂ’ જેવા અસંખ્ય સુપરહિટ શોઝમાં કામ કરીને કરોડો દર્શકોનું મનોરંજન કર્યું હતું.
હાલ શું કરી રહ્યા છે કેકે ગોસ્વામી? કેકે ગોસ્વામી છેલ્લે ૨૦૧૭માં ટીવી શો ‘ત્રિદેવિયાં’માં જોવા મળ્યા હતા. જોકે હાલ તેઓ ટીવી પર્દાથી દૂર છે, પણ સોશિયલ મીડિયા પર ખાસ્સા સક્રિય રહે છે અને ફેન્સ સાથે પોતાના દૈનિક જીવનની નાની-મોટી અપડેટ્સ સતત શેર કરતા રહે છે. ચાહકો હવે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે તેઓ ક્યારે કોઈ નવા પ્રોજેક્ટ દ્વારા ફરી એન્ટરટેઈનમેન્ટની દુનિયામાં ધમાકેદાર વાપસી કરશે.
