ટી૨૦ ક્રિકેટના મહાનતમ ઓલરાઉન્ડર્સમાં જેની ગણતરી થાય છે તેવા વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ક્રિકેટર ડ્વેન બ્રાવોને કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) ૨૦૨૬માં એક ઐતિહાસિક અને અનોખું સન્માન મળ્યું છે. ટ્રિનબેગો નાઈટ રાઈડર્સ (TKR) ફ્રેન્ચાઈઝીએ બ્રાવોના અપ્રતિમ યોગદાનને માન આપીને તેમની જાણીતી ૪૭ નંબરની જર્સીને કાયમ માટે રિટાયર કરવાનો નિર્ણય લીધો છે. સીપીએલના ઈતિહાસમાં કોઈ ખેલાડીની જર્સી રિટાયર થઈ હોય તેવી આ સૌપ્રથમ ઘટના છે.
ખેલાડી અને કોચ તરીકે ૬ વખત CPL ખિતાબ જીત્યા ડ્વેન બ્રાવો સીપીએલના સૌથી સફળ અને લોકપ્રિય ચહેરાઓમાં મોખરે રહ્યા છે. તેમણે એક ખેલાડી તરીકે ૫ વખત ટ્રોફી જીતી છે અને નિવૃત્તિ બાદ ટ્રિનબેગો નાઈટ રાઈડર્સના મુખ્ય કોચ તરીકે પણ ટીમને એક વખત ચેમ્પિયન બનાવી છે. આમ, તેમના નામે કુલ ૬ સીપીએલ ટ્રોફી જીતવાનો અદભૂત રેકોર્ડ નોંધાયેલો છે.
-
CPL કારકિર્દી: ૧૦૭ મેચમાં ૧૨૯ વિકેટ (ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર).
-
ડેથ ઓવર્સમાં ધારદાર બોલિંગ અને લોઅર ઓર્ડરમાં વિસ્ફોટક બેટિંગથી તેમણે નાઈટ રાઈડર્સને ટૂર્નામેન્ટની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી બનાવી.
ટી૨૦ ક્રિકેટના સાચા ‘ચેમ્પિયન’ વર્ષ ૨૦૨૪માં સક્રિય ક્રિકેટમાંથી વિદાય લેનાર બ્રાવોએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ તરફથી ૪૦ ટેસ્ટ, ૧૬૪ વન-ડે અને ૯૧ ટી૨૦ મેચ રમી હતી. સમગ્ર ઓવરઓલ ટી૨૦ ફોર્મેટની વાત કરીએ તો, તેમણે ૫૮૨ મેચ રમીને ૬૩૧ વિકેટ ઝડપી છે, જે ટી૨૦ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઉત્કૃષ્ટ આંકડાઓ પૈકી એક છે.
નાઈટ રાઈડર્સ ગ્રૂપના સીઈઓનું નિવેદન નાઈટ રાઈડર્સ ગ્રૂપના સીઈઓ વેંકી મૈસૂરે આ અંગે જણાવ્યું હતું કે, “ટીમ અને સીપીએલ માટે ડ્વેન બ્રાવોનું યોગદાન શબ્દો કે આંકડાઓથી પર છે. તેમની ૪૭ નંબરની જર્સીને રિટાયર કરીને અમે સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે તેમની સિદ્ધિઓ અને વારસો હંમેશા નાઈટ રાઈડર્સ પરિવાર સાથે જોડાયેલા રહે. આ ઐતિહાસિક સન્માન મેળવવા માટે બ્રાવોથી વધુ યોગ્ય બીજો કોઈ ખેલાડી હોઈ શકે નહીં.”
