Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

વિકાસના દાવાઓ સામે કડવી વાસ્તવિકતા: ગુજરાતમાં દરરોજ સરેરાશ ૩૪ માસૂમોના મોત, શહેરોમાં સ્થિતિ વધુ ચિંતાજનક

વિકાસના દાવાઓ સામે કડવી વાસ્તવિકતા: ગુજરાતમાં દરરોજ સરેરાશ ૩૪ માસૂમોના મોત, શહેરોમાં સ્થિતિ વધુ ચિંતાજનક

ગુજરાત મોડલ અને ઔદ્યોગિક વિકાસની મોટી વાતો વચ્ચે રાજ્યના બાળ સ્વાસ્થ્યને લઈને અત્યંત ચોંકાવનારો અને આંખ ઉઘાડનારો અહેવાલ સામે આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કૂપોષણ નાબૂદી અને બાળ કલ્યાણ પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનું અંદાજપત્ર ફાળવવામાં આવે છે, છતાં પણ હજારો માસૂમ બાળકોને અકાળે કાળના મુખમાંથી બચાવી શકાતા નથી. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા સાક્ષી પૂરે છે કે રાજ્યમાં નવજાત શિશુઓના મૃત્યુના ગ્રાફમાં ઘટાડાને બદલે સતત વધારો થઈ રહ્યો છે, જે વર્તમાન આરોગ્ય માળખા અને વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે.

નવજાત શિશુઓના મોતમાં ચિંતાજનક વધારો

કેન્દ્ર સરકારના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૧માં ગુજરાતમાં કુલ ૧૧,૮૧૫ નવજાત શિશુઓના મૃત્યુ નોંધાયા હતા. આ કાળમુખો આંકડો નિયંત્રણમાં આવવાને બદલે વર્ષ ૨૦૨૪માં વધીને ૧૨,૪૯૨ પર પહોંચી ગયો છે. એટલે કે એક વર્ષથી ઓછી વય ધરાવતા માસૂમ શિશુઓના મોતમાં સીધો ૬૭૭નો મોટો વધારો થયો છે. સરેરાશ ગણતરી કરીએ તો રાજ્યમાં પ્રતિદિન લગભગ ૩૪ જેટલા નવજાત બાળકો દમ તોડી રહ્યા છે.

ગ્રામ્ય કરતાં શહેરી વિસ્તારોમાં સ્થિતિ વધુ કથળી

સામાન્ય રીતે માન્યતા એવી હોય છે કે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યલક્ષી સુવિધાઓ અને જાગૃતિના અભાવે બાળ મૃત્યુદર વધુ હોય છે. પરંતુ વાસ્તવિક આંકડા આ ધારણાને સાવ ખોટી સાબિત કરે છે. વર્ષ ૨૦૨૪ના આંકડા મુજબ:

  • ગ્રામીણ વિસ્તાર: કુલ ૧,૨૨૨ નવજાત શિશુઓના મોત (૭૧૮ બાળકો અને ૫૦૪ બાળકીઓ). ૧ થી ૪ વર્ષના બાળકોના મોત ૮૫૧ નોંધાયા.

  • શહેરી વિસ્તાર: કુલ ૧૧,૨૬૪ નવજાત શિશુઓના મોત (૬,૬૩૨ બાળકો અને ૪,૬૩૨ બાળકીઓ). ૧ થી ૪ વર્ષના વયજૂથમાં આ આંકડો ૨,૩૭૯ રહ્યો.

આમ, શહેરોમાં નાના બાળકોના મોતનું પ્રમાણ ગામડાં કરતાં લગભગ ત્રણ ગણું વધારે નોંધાયું છે. શહેરોમાં ગીચ વસ્તી, ઝૂંપડપટ્ટીઓમાં સ્વચ્છતા અને પોષણનો અભાવ તેમજ કથળેલી પ્રાથમિક આરોગ્ય સેવાઓ આ માટે મુખ્યત્વે જવાબદાર માનવામાં આવે છે. આ ઉપરાંત, આંકડા દર્શાવે છે કે મૃત્યુ પામનારાઓમાં બાળકીઓની સરખામણીએ બાળકો (છોકરાઓ)નું પ્રમાણ નોંધપાત્ર રીતે વધુ છે.

મુખ્ય મહાનગરોની ગંભીર સ્થિતિ

રાજ્યના મોટા શહેરોમાં સુવિધાઓ હોવા છતાં મૃત્યુઆંક ઊંચો રહ્યો છે:

  • અમદાવાદ: સૌથી વધુ મૃત્યુ નોંધાયા.

  • સુરત: ૧,૫૫૨ માસૂમોના મોત.

  • રાજકોટ: ૧,૨૪૪ નવજાત શિશુઓના મોત.

  • વડોદરા: ૧,૨૫૨ બાળકોના મોત.

શિશુ મૃત્યુ પાછળના મુખ્ય કારણો

૧. અધૂરા માસે જન્મ અને ઓછું વજન: સગર્ભા માતાઓમાં યોગ્ય પોષણના અભાવે જન્મ સમયે બાળકો અત્યંત નબળા હોય છે.

૨. ઇન્ફેક્શન અને ન્યુમોનિયા: જન્મજાત શારીરિક ખામીઓ, સેપ્સિસ અને શ્વસનતંત્રના ચેપ સમયસર સારવાર ન મળવાથી જીવલેણ નીવડે છે.

૩. નિષ્ણાતો અને માળખાકીય સુવિધાઓની કમી: સરકારી હોસ્પિટલોમાં ખાસ કરીને બાળરોગ નિષ્ણાતોની ખાલી જગ્યાઓ અને અધૂરી સુવિધાઓ.

૪. ઇમરજન્સી સારવારમાં વિલંબ: છેવાડાના વિસ્તારોમાંથી રેફરલ હોસ્પિટલ પહોંચવામાં થતો સમયનો વ્યય.

રાજ્યમાં આંગણવાડી, પૂરક પોષણ અને મધર-ચાઇલ્ડ કેર જેવી યોજનાઓ પાછળ સરકારી તિજોરીમાંથી અબજો રૂપિયા ખર્ચાય છે, ત્યારે યોજનાઓનું અમલીકરણ ફક્ત કાગળ પર રહેવાને બદલે નક્કર પરિણામો આપે તે દિશામાં તાત્કાલિક કડક પગલાં લેવા અત્યંત જરૂરી છે.

સંબંધિત પોસ્ટ્સ

ધરમપુરના ટાંકી ગામે કોઝવે પરથી સ્કૂલવાન ચાલકનો પગ લપસતા બાળકી સાથે તણાયા: બાળકીનો આબાદ બચાવ, ચાલકની શોધખોળ શરૂ

praxpatel

‘2026-27નું 4.08 લાખ કરોડનું બજેટ’, મુખ્યમંત્રીએ બજેટને આવકાર્યું

ANIL PATEL

‘વંદે માતરમ્’ ગાતા અટકાવશો તો થશે 3 વર્ષની જેલ! ચોમાસું સત્રમાં આવી રહ્યું છે નવું બિલ

praxpatel