અમદાવાદમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથની ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા નીકળવા જઈ રહી છે. છેલ્લા આઠ દાયકાથી ભગવાનના રથોનું સફળ સંચાલન કરતા ખલાસ સમાજના પ્રમુખ મફતલાલ મંગળદાસ ખલાસ આજે ૯૪ વર્ષના છે.
તેઓ માત્ર ૧૪ વર્ષની નાની ઉંમરથી ભગવાનની આ સેવામાં જોડાયેલા છે. મફતલાલભાઈએ તેમની નજર સામે રથયાત્રાનો બદલાતો ઈતિહાસ જોયો છે. તેમણે બ્રિટિશ કાળથી લઈને આઝાદી પછીના કેટલાક રોમાંચક અને હિંમતભર્યા સંસ્મરણો વાગોળ્યા છે.
૧૪ વર્ષની ઉંમરે મહંત નરસિદાસજીના આશીર્વાદથી સંભાળી જવાબદારી
મફતલાલભાઈના જણાવ્યા અનુસાર, રથ ખેંચવાની અને તેના સંચાલનની પરંપરા તેમની પેઢીઓ જૂની છે. પહેલાં તેમના દાદા અને પિતા આ સેવા કરતા હતા.
-
મફતલાલભાઈના પિતાની નાદુરસ્ત તબિયતના કારણે તેમણે આ સેવામાંથી નિવૃત્ત થવાનું નક્કી કર્યું હતું.
-
ત્યારબાદ તેઓ મફતલાલને લઈને તત્કાલીન મહંત નરસિદાસજી બાપા પાસે ગયા હતા.
-
મહારાજે મફતલાલને જોઈને કહ્યું, “આ તો તમારું જ લોહી છે, તે જ આ પરંપરા આગળ ચલાવશે.”
-
બસ, ત્યારથી મફતલાલભાઈ રથના સંચાલનની જવાબદારી નિભાવી રહ્યા છે.
૧૯૪૬ના રમખાણો: બ્રિટિશ સૈનિકોની સુરક્ષા વચ્ચે નીકળી હતી રથયાત્રા
મફતલાલભાઈને ૧૯૪૬ની બ્રિટિશ શાસન સમયની રથયાત્રા આજે પણ બરાબર યાદ છે. તે સમયે દેશ આઝાદ નહોતો થયો અને અમદાવાદમાં ભીષણ કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.
-
કાળુપુર દરવાજા પાસે રથ પર સોડાની બોટલો ફેંકવામાં આવી હતી.
-
એ સમયે બ્રિટિશ સરકારના સોલ્જરો ઘોડા પર બેસીને રથયાત્રાને સુરક્ષા આપતા હતા.
-
પરિસ્થિતિ એટલી તંગ હતી કે સૈનિકોની સૂચનાથી રથયાત્રાનો રૂટ બદલીને ઘીકાંટા અને રતનપોળ થઈને રથ પસાર કરવા પડ્યા હતા.
માધવસિંહ સોલંકીના શાસનમાં બેરિકેડ્સ તોડીને રથ દોડાવ્યા!
એક સમય એવો પણ આવ્યો જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના શાસનકાળમાં રથયાત્રા કાઢવાની મંજૂરી મળી નહોતી. મંજૂરી ન મળવાના આઘાતમાં મહારાજ બીમાર પડી ગયા હતા. પરંતુ રથના આગેવાનો અને ટ્રસ્ટીઓએ નક્કી કર્યું કે ગમે તે થાય રથયાત્રા તો નીકળશે જ.
તેમણે ગાયના કાળા વાછરડાને આગળ રાખીને રથ દોડાવવાનું નક્કી કર્યું. પોલીસે રથ રોકવા માટે રેતી ભરેલા લોખંડના ભારે બેરિકેડ્સ રસ્તા પર મૂકી દીધા હતા. પરંતુ ખલાસીઓએ ડર્યા વગર મંદિરના હાથીને આગળ કરીને તમામ બેરિકેડ્સ તોડી નાખ્યા હતા. છેવટે ભારે કરફ્યુ વચ્ચે પણ હિંમતભેર રથ બહાર કાઢવામાં આવ્યા અને સમગ્ર અમદાવાદમાં ભવ્યતાથી રથયાત્રા પૂર્ણ થઈ હતી.
