અમદાવાદમાં આગામી ૧૬મી જુલાઈના રોજ અષાઢી બીજના પવન પર્વે ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા યોજાશે. આ વર્ષે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવી છે. પોલીસ પ્રશાસન દ્વારા આ વખતે અત્યાધુનિક હાઈટેક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. ભક્તો અને રથની સલામતી માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે.
ખલાસીઓનું થશે ડિજિટલ વેરિફિકેશન
ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામનો રથ ખેંચનારા તમામ ખલાસીઓ માટે ખાસ નિયમો બનાવાયા છે. સુરક્ષાના ભાગરૂપે આ વખતે તમામ ખલાસીઓનું સરકારી ઓળખપત્ર આધારિત વિશેષ એપ્લિકેશન દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે.
આ ડિજિટલ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ મંદિર સત્તાધીશો તરફથી તેઓને વિશેષ બારકોડવાળા ઓળખપત્ર આપવામાં આવશે. ઓળખપત્ર વગર કોઈને પણ રથની નજીક જવા દેવામાં આવશે નહીં.
35 ડ્રોન અને GPS સિસ્ટમથી સીધી નજર
રથયાત્રાના સમગ્ર રૂટ અને ખાસ કરીને ત્રણેય રથોની સુરક્ષા માટે ટેકનોલોજીનો મોટો સહારો લેવાશે. આખી રથયાત્રામાં તૈનાત થનારા કુલ ૧૦૦ ડ્રોનમાંથી ૩૫ વિશેષ ડ્રોન માત્ર રથો પર નજર રાખશે.
ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે GPS દ્વારા રથોનું સતત લાઇવ મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, ત્રણેય રથોની સાથે ખાસ કેમેરાવાન અને વાયરલેસ સેટની આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. આનાથી કંટ્રોલ રૂમ સીધો રથ સાથે કનેક્ટેડ રહેશે.
દરેક રથ સાથે ચાલશે ઉચ્ચ પોલીસ કાફલો
ભગવાનના રથોની સુરક્ષા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની આગેવાનીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે:
-
રથની સુરક્ષાના મુખ્ય ઇન્ચાર્જ તરીકે ૧ આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (ASP) ફરજ બજાવશે.
-
તેમની મદદ માટે ૧ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સતત હાજર રહેશે.
-
રથની આગળ અને પાછળના ભાગે એક-એક DySP કક્ષાના અધિકારી તહેનાત રહેશે.
-
રથની ડાબી અને જમણી બાજુએ એક-એક PI સુરક્ષાની કમાન સંભાળશે.
-
સમગ્ર રથયાત્રા દરમિયાન ૧ DCP, ૨ DySP અને ૨ PI સહિતનો મોટો પોલીસ કાફલો રથની સાથે પગપાળા ચાલશે.
પુશીંગ સ્ક્વોર્ડ દ્વારા રથનું કોર્ડનિંગ
રથયાત્રા દરમિયાન ભગવાનના રથોની આસપાસ ભક્તોની ભારે ભીડ ઉમટતી હોય છે. આ ભીડને નિયંત્રિત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પુશીંગ સ્ક્વોર્ડના ખાસ જવાનો તૈનાત રહેશે.
આ સ્ક્વોર્ડ દ્વારા રથની સુરક્ષા માટે તેને મજબૂત દોરડાથી ચારેય બાજુથી કોર્ડન (કવર) કરવામાં આવશે. આ વ્યવસ્થાના કારણે ત્રણેય રથ કોઈ પણ અડચણ વગર સરળતાથી અને સુરક્ષિત રીતે આગળ વધી શકશે.
