ગ્રીસથી જર્મની જઈ રહેલી એક પેસેન્જર ફ્લાઈટમાં શુક્રવારે સવારે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઉડાન દરમિયાન વિમાનની એક બારી અચાનક પોતાની જગ્યાએથી ઉખડી ગઈ હતી. બારી તૂટવાના કારણે કેબિનનું હવાનું દબાણ (Cabin Pressure) એકદમ ઘટી ગયું હતું. આ અકસ્માતમાં ૬૧ વર્ષના એક મુસાફરનું માથું, ગરદન અને ખભા બારીની બહારની તરફ ખેંચાઈ ગયા હતા. પરંતુ બાજુમાં બેઠેલા મુસાફરોએ સમય સૂચકતા વાપરીને તેને પકડી રાખ્યો અને અંદર ખેંચી લીધો હતો. આ કારણે એક મોટો અકસ્માત ટળી ગયો હતો.
મુસાફરની ગરદન અને ખભામાં થઈ ઈજાઓ
આ ઘટના ઉત્તરી ગ્રીસના થેસાલોનિકી શહેરથી જર્મનીના મેમિંગેન જઈ રહેલી ફ્લાઈટમાં બની હતી. આ ફ્લાઈટનું સંચાલન યુરોપની સૌથી મોટી બજેટ એરલાઈન રાયનએરની સહયોગી કંપની માલ્ટા એર (Malta Air) કરી રહી હતી.
એક ગ્રીક હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું કે ઘાયલ મુસાફરની ગરદન અને ખભામાં ઈજાઓ થઈ છે. આ સિવાય શરીર પર ઘર્ષણ થવાના કારણે દાઝ્યા જેવા ઘા પણ પડ્યા છે. રાયનએરે પોતાના નિવેદનમાં જણાવ્યું કે ટેક-ઓફ થયાના થોડા સમય બાદ જ બારી નીકળી ગઈ હતી. ત્યારબાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિમાનને તાત્કાલિક થેસાલોનિકી પરત લાવવાનો નિર્ણય લેવાયો હતો.
‘વિમાન ખૂબ જ ઝડપથી નીચે ઉતરવા લાગ્યું હતું’
મેદાન પર હાજર પ્રત્યક્ષદર્શી મુસાફરોએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે અચાનક એક જોરદાર વિસ્ફોટ જેવો અવાજ સંભળાયો હતો. તેની તરત જ પછી ઓક્સિજન માસ્ક નીચે આવી ગયા હતા અને વિમાન ઝડપથી નીચે ઉતરવા લાગ્યું હતું. આનાથી મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
ક્રિસ્ટિના નામની એક મહિલા મુસાફરે જણાવ્યું, “અમે મોટાભાગના લોકો સૂતા હતા. ત્યારે જ એક ટાયર ફાટવા જેવો જોરદાર અવાજ આવ્યો. અમને તરત જ સમજાઈ ગયું કે વિમાનનું કેબિન પ્રેશર ખતમ થઈ ગયું છે. મારી બાજુમાં બેઠેલા મુસાફરનો અડધો ભાગ બહાર ખેંચાઈ ગયો હતો, પરંતુ લોકોએ તેને મજબૂતીથી પકડી રાખ્યો હતો.”
એન્જિનમાં ખામીના કારણે સર્જાઈ સમસ્યા
એરલાઈનના જણાવ્યા અનુસાર, વિમાન સુરક્ષિત રીતે થેસાલોનિકી એરપોર્ટ પર લેન્ડ થઈ ગયું હતું. તમામ મુસાફરોને ટર્મિનલ પર પરત લાવવામાં આવ્યા હતા. ઘાયલ મુસાફરને જમીન પર જ તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી. પાછળથી મુસાફરોને જર્મની મોકલવા માટે અન્ય એક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ જણાવ્યું કે આ વિમાન બોઇંગ 737-800 (Boeing 737-800) મોડલનું હતું. પ્રાથમિક માહિતી મુજબ, જમણા એન્જિનમાં ખામી અને કેબિન પ્રેશર ઘટવાના કારણે વિમાનને પરત ફરવું પડ્યું હતું. આ મામલાની મુખ્ય તપાસ રિપબ્લિક ઓફ નોર્થ મેસેડોનિયાની એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન કમિટી કરશે.
