અમદાવાદમાં અષાઢી બીજ એટલે કે ૧૬મી જુલાઈના રોજ જગતના નાથ ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રજી રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળવાના છે. આ પાવન અવસર માટે ભગવાનનું મોસાળ સરસપુર અત્યારે સંપૂર્ણપણે ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું છે.
સરસપુરની લગભગ દરેક શેરી અને પોળમાં અત્યારે મોટા રસોડા ધમધમી રહ્યા છે. રથયાત્રાના એક દિવસ પહેલા એટલે કે ૧૫મી જુલાઈએ જ પોળોમાં હજારો કિલો મોહનથાળ અને ફૂલવડી બનાવીને તૈયાર કરી દેવામાં આવ્યા છે.
સાધુ-સંતો અને લાખો ભક્તો માટે હેતનું ભાણું
ભગવાનના મોસાળ સરસપુરની આ વર્ષો જૂની અને અનોખી પરંપરા છે. રથયાત્રામાં જોડાયેલા સાધુ-સંતો, દેશભરમાંથી આવતા લાખો ભક્તો અને સુરક્ષામાં તહેનાત પોલીસ કર્મચારીઓને સ્થાનિક રહીશો અત્યંત પ્રેમ અને હેતપૂર્વક જમાડે છે.
-
આ ભવ્ય સેવા યજ્ઞ માટે પોળના યુવાનો અને વડીલો રાત-દિવસ એક કરીને તૈયારી કરી રહ્યા છે.
-
મોસાળમાં ભોજન અને પ્રસાદ બનાવવાની કામગીરી હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.
ભોજનની તડામાર તૈયારીઓ
દરેક પોળ અને સોસાયટીના રસોડામાં ઉત્સાહનો માહોલ છે. શુદ્ધ ઘીમાંથી હજારો કિલો મોહનથાળ બનાવવામાં આવ્યો છે. આ સાથે જ ફરસાણમાં ગરમાગરમ લાઈવ ફૂલવડી પણ તૈયાર રાખવામાં આવી છે.
આવતીકાલે અષાઢી બીજની વહેલી સવારથી જ રસોડામાં બટેકાનું શાક, મિક્સ શાક, ગરમાગરમ પુરી અને દાળ-ભાત બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. મેકર્સ અને સ્થાનિકોનો ઉદ્દેશ્ય એ છે કે મોસાળમાં આવતા દરેક ભક્તને એકદમ ગરમ અને તાજો પ્રસાદ પીરસી શકાય. અત્યારે સરસપુરની ગલીઓ ‘જય જગન્નાથ’ ના નારાથી ગુંજી રહી છે અને મોસાળવાસીઓનો ઉત્સાહ ચરમસીમાએ છે.
