અયોધ્યામાં રામ મંદિરના દાનમાં થયેલી ચોરીના મામલે એક મોટો ખુલાસો થયો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ તરફથી આ અંગે પહેલીવાર સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદદેવ ગિરીએ સ્વીકાર્યું છે કે મંદિરના દાનમાંથી લગભગ ૩ કરોડ રૂપિયાની ચોરી થઈ છે.
અત્યાર સુધી ચોરીની રકમને લઈને સોશિયલ મીડિયા અને મીડિયામાં અલગ-અલગ અંદાજો લગાવવામાં આવી રહ્યા હતા. જો કે, ગોવિંદદેવે સ્પષ્ટ કર્યું છે કે ૧૪ કરોડનું સોનું અને ચાંદી ચોરી થવાની વાતો તદ્દન ખોટી અને અફવા છે. એસઆઈટી (SIT) એ તેના પ્રારંભિક રિપોર્ટમાં ૮૦ લાખ રૂપિયા રિકવર કર્યા હોવાની માહિતી આપી છે.
રાજીનામું આપવાનો ગોવિંદદેવનો સ્પષ્ટ ઈનકાર
પુણેના પ્રવાસે ગયેલા કોષાધ્યક્ષ ગોવિંદદેવ ગિરીએ પોતાના રાજીનામાના સમાચારને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે મેં કોઈ રાજીનામું આપ્યું નથી.
તેમણે ભાવુક થઈને કહ્યું, “હું છત્રપતિ શિવાજી મહારાજનો અનુયાયી છું અને મેદાન છોડીને ભાગનારો નથી.” રાજીનામું આપવા અંગે મારા મનમાં કોઈ વિચાર પણ નથી.
ચંપત રાયે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે
ટ્રસ્ટના મહાસચિવ પદેથી ચંપત રાયના રાજીનામા અંગે પણ તેમણે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે ચંપત રાયે પોતાની સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. તેમને કોઈએ બલિનો બકરો બનાવ્યા નથી.
ચંપત રાયને અહેસાસ હતો કે વહીવટમાં થોડી બેદરકારી થઈ છે. આ કારણે તેમણે પોતે જ પદ છોડવાનો નિર્ણય કર્યો હતો. તેમના પર કોઈનું દબાણ નહોતું. ગોવિંદદેવે ઉમેર્યું કે તેઓ એસઆઈટી (SIT) ની તપાસથી સંપૂર્ણ સંતુષ્ટ છે. રામલલા વિરુદ્ધ ગુનો કરનારને સજા ચોક્કસ મળશે.
22 જુલાઈએ ટ્રસ્ટની બેઠક, થઈ શકે છે મોટા ફેરફાર
શ્રી રામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટની આગામી બેઠક આગામી ૨૨ જુલાઈના રોજ યોજાવાની છે. આ બેઠકમાં કેટલાક મોટા અને મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવે તેવી પૂરી સંભાવના છે.
નક્કી કરાયેલા એજન્ડા મુજબ બેઠકમાં નીચેના મુદ્દાઓ પર ચર્ચા થશે:
-
ટ્રસ્ટના સભ્યોની ખાલી પડેલી બેઠકો પર નવી પસંદગી કરવી.
-
દાન ચોરી અંગે એસઆઈટી (SIT) નો રિપોર્ટ રજૂ કરવો.
-
ટ્રસ્ટની પાંચેય મુખ્ય સમિતિઓમાં નવા સભ્યોની નિમણૂક કરવી.
ટ્રસ્ટના નિયમો અનુસાર કામની વહેંચણી માટે પાંચ સમિતિઓ બનાવવામાં આવી છે. જેમાં નિર્માણ, નાણાં (ફાઈનાન્સ), ઓડિટ, ધાર્મિક અને મેનેજિંગ સમિતિ સામેલ છે.
નિર્માણ સમિતિના ચેરમેન નૃપેન્દ્ર મિશ્ર છે. આ સમિતિના સભ્યો ચંપત રાય અને અનિલ મિશ્ર રાજીનામું આપી ચૂક્યા છે. જ્યારે અયોધ્યા નરેશ વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રનું અવસાન થયું છે. આ ખાલી પડેલા પદોને કારણે ૨૨ તારીખની બેઠકમાં નવા નામોની જાહેરાત થઈ શકે છે.
