અનામત (Reservation) અને સામાજિક સમાનતાના મુદ્દે સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક ટિપ્પણી કરી છે. કોર્ટે સવાલ ઉઠાવ્યો છે કે જે બાળકોના માતા-પિતા પહેલાથી જ IAS ઓફિસર છે, તેમને અનામતનો લાભ શા માટે મળવો જોઈએ? સર્વોચ્ચ અદાલતે એવા સમૃદ્ધ પરિવારો દ્વારા ક્વોટા સિસ્ટમનો લાભ ચાલુ રાખવાની માંગ પર આકરા સવાલો કર્યા છે, જેઓ શૈક્ષણિક અને આર્થિક રીતે સક્ષમ થઈ ચૂક્યા છે.
શૈક્ષણિક અને આર્થિક પ્રગતિથી સામાજિક સમાનતા આવે છે
પછાત વર્ગોના ‘ક્રીમી લેયર’ (Creamy Layer) સંબંધિત એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મોટી વાત કહી છે. અદાલતે ભારપૂર્વક જણાવ્યું કે, જ્યારે કોઈ પરિવાર શૈક્ષણિક અને આર્થિક રીતે આગળ વધે છે, ત્યારે સમાજમાં તેની સ્થિતિ આપોઆપ મજબૂત થાય છે. આવી સ્થિતિમાં પણ જો આગળની પેઢીઓ માટે અનામતની માંગણી થતી રહેશે, તો આ મુદ્દાનો ક્યારેય અંત નહીં આવે. કોર્ટે કહ્યું કે આ એક એવો ગંભીર વિષય છે જેના પર હવે વિચાર કરવો ખૂબ જ જરૂરી છે.
જસ્ટિસ નાગ રત્નાની કડક ટિપ્પણી: સમૃદ્ધ લોકોને અનામતમાંથી બહાર કરો
સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગ રત્નાએ તીખી ટિપ્પણી કરતા કહ્યું કે, “વિદ્યાર્થીઓના માતા-પિતા સારી નોકરીઓમાં છે અને મબલખ કમાણી કરી રહ્યા છે, તેમ છતાં બાળકો ફરીથી અનામતનો લાભ લેવા માંગે છે. આવા લોકોને અનામતના દાયરામાંથી તુરંત બહાર કરી દેવા જોઈએ.” અદાલતે નોંધ્યું કે ઘણા સરકારી આદેશોમાં પહેલાથી જ સંપન્ન વર્ગોને અનામતથી વંચિત રાખવાની જોગવાઈ છે, પરંતુ હવે આ જોગવાઈઓને જ કોર્ટમાં પડકારવામાં આવી રહી છે, જે યોગ્ય નથી.
આગામી પેઢી માટે અનામતની યોગ્યતાનું પુનઃમૂલ્યાંકન જરૂરી
સુપ્રીમ કોર્ટની બેંચે જણાવ્યું કે અનામત પ્રણાલીમાં હવે એક સંતુલન હોવું ખૂબ જ જરૂરી છે. કોઈ પરિવારે અનામતનો લાભ લઈને સમાજમાં એક ચોક્કસ સ્તર મેળવી લીધું હોય, ત્યાર બાદ તેની આગામી પેઢીને તે લાભ મળવો જોઈએ કે નહીં તેનું પુનઃમૂલ્યાંકન થવું જોઈએ. આ સાથે જ કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગો (EWS) અને સામાજિક રીતે પછાત સમુદાયો માટેના અનામત વચ્ચેના તફાવતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
