ગુજરાત સરકારે મહેસૂલ વિભાગના કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે. હવે વર્ગ-3ના કર્મચારીઓની જિલ્લા પૂરતી આંતરિક બદલી કલેક્ટર કરી શકશે. સરકારના આ નિર્ણયથી સ્થાનિક કક્ષાએ વહીવટી કામગીરી ઝડપી બનશે. સાથે જ અરજદારોના અટકેલા કામોનો ઉકેલ પણ ઝડપથી આવશે.
શા માટે લેવાયો આ નિર્ણય?
જિલ્લા કક્ષાએ તમામ મહેસૂલી કામગીરીનું સંકલન કલેક્ટર કરતા હોય છે.
-
અગાઉ કલેક્ટર પાસે ચોક્કસ કર્મચારીઓની બદલીની પૂરતી સત્તા નહોતી.
-
તાકીદના સંજોગોમાં બદલીની મંજૂરી મેળવવામાં સમય જતો હતો.
-
આ કારણે સામાન્ય નાગરિકો અને અરજદારોના કામ અટવાઈ જતા હતા.
-
હવે કલેક્ટરને સીધી સત્તા મળતા કામગીરી વધુ ઝડપી બનશે.
કયા કર્મચારીઓની બદલી કલેક્ટર કરી શકશે?
અગાઉ કલેક્ટર પાસે માત્ર નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન અને તલાટીઓની બદલીની સત્તા હતી.
હવે નવા નિર્ણય મુજબ, નીચે મુજબના વર્ગ-3ના કર્મચારીઓની બદલી પણ કલેક્ટર કરી શકશે:
-
સબ રજીસ્ટ્રાર ગ્રેડ-1
-
સબ રજીસ્ટ્રાર ગ્રેડ-2
-
સિનિયર સર્વેયર
-
સર્વેયર
-
કારકૂન (મહેસૂલ વિભાગના અન્ય ખાતાના)
બદલી માટેના મુખ્ય નિયમો
આ બદલીની સત્તા સાથે સરકારે કેળવાયેલી મર્યાદાઓ અને નિયમો પણ નક્કી કર્યા છે:
-
ખાતા પૂરતી મર્યાદિત બદલી: આ બદલી જે તે ખાતાના વડાના મહેકમ પૂરતી જ સીમિત રહેશે. (જેમ કે, સર્વેયરની બદલી સર્વેયરની કચેરીમાં જ થશે, સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં નહીં.)
-
વિભાગીય અધિકારી સાથે સંકલન: બદલી કરતી વખતે કલેક્ટરે સંબંધિત જિલ્લાના અધિકારી સાથે સંકલન કરવાનું રહેશે.
-
રોજબરોજનું કામ અટકશે નહીં: બદલીઓના કારણે કચેરીનું રોજિંદુ કામ ખોરવાવું જોઈએ નહીં.
-
નિયમોનું પાલન: સામાન્ય વહીવટ વિભાગ અને મહેસૂલ વિભાગની બદલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું પડશે.
