હવામાન વિભાગે ગુજરાત માટે મોટી આગાહી કરી છે. આગામી 4 દિવસ રાજ્ય માટે ખૂબ જ ભારે રહેવાની શક્યતા છે. 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારી તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ થઈ ગયું છે.
31 જુલાઈથી 2 ઑગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદનું ઍલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, નવસારી, ખેડા, ડાંગ, નર્મદા, આણંદ બાદ હવે છોટા ઉદેપુર અને વલસાડમાં પણ શુક્રવારે ભારે વરસાદના ઍલર્ટના પગલે શાળા-કૉલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. આંગણવાડીથી લઈ કૉલેજ સુધીનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.
પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની તમામ શાળાઓને આદેશ લાગુ
જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ આદેશ અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં આવેલી તમામ શૈક્ષણિક સંસ્થાઓને લાગુ પડશે. જેમાં તમામ સરકારી, અનુદાનિત (ગ્રાન્ટેડ) અને સ્વનિર્ભર (પ્રાઈવેટ) શાળાઓ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને તમામ અધ્યાપન મંદિરો તેમજ કૉલેજો આ સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે.
આ 13 જિલ્લાઓમાં હાઈ અલર્ટ જાહેર
હવામાન વિભાગે રાજ્યના 13 મુખ્ય જિલ્લાઓમાં હાઈ અલર્ટ આપ્યું છે:
-
અમદાવાદ
-
વડોદરા
-
સુરત
-
ભાવનગર
-
ભરૂચ
-
આણંદ
-
નર્મદા
-
તાપી
-
ડાંગ
-
છોટાઉદેપુર
-
પંચમહાલ
-
દાહોદ
-
મહીસાગર
અમદાવાદ અને વડોદરામાં શાળા-કોલેજો બંધ
વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લેવાયો છે.
-
31 જુલાઈ 2026ના રોજ અમદાવાદ અને વડોદરાની تمام શાળાઓ અને કોલેજો બંધ રહેશે.
-
સરકારી, ગ્રાન્ટેડ અને પ્રાઈવેટ શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રહેશે.
-
અન્ય જિલ્લાના કલેક્ટરોને પણ સ્થાનિક સ્થિતિ મુજબ નિર્ણય લેવા આદેશ અપાયો છે.
સરકારી તંત્ર એલર્ટ: રજાઓ રદ
વરસાદની ગંભીર સ્થિતિને પહોંચી વળવા ગાંધીનગર ખાતે SEOCની મહત્વની બેઠક યોજાઈ હતી.
-
પ્રભાવિત જિલ્લાના તમામ અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.
-
તમામ જિલ્લાઓમાં 24×7 કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયા છે.
-
નીચાણવાળા વિસ્તારોમાં NDRF અને SDRFની ટીમો તૈનાત કરાશે.
-
કટોકટીની સ્થિતિ માટે આર્મી, નેવી અને એરફોર્સને સ્ટેન્ડબાય રખાયા છે.
નાગરિકો માટે સલામતીની અપીલ
રાહત કમિશનરે તમામ નાગરિકોને ખાસ અપીલ કરી છે:
-
બિનજરૂરી બહાર ન નીકળો: અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર જવાનું ટાળો.
-
સ્થળાંતર માટે સહકાર આપો: પૂરની સંભાવના વાળા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવશે.
-
જોખમી બોર્ડ-બેનર હટાવાયા: પવન અને વરસાદથી દુર્ઘટના ન થાય તે માટે જોખમી સાઈનબોર્ડ્સ હટાવવા આદેશ અપાયો છે.
આશ્રયસ્થાનોમાં નાગરિકો માટે ભોજન, પીવાનું શુદ્ધ પાણી અને દવાની સુવિધાઓ તૈયાર રાખવામાં આવી છે.
વડોદરા શહેર જિલ્લાની સ્કૂલો-કૉલેજોમાં રજા
31મી જુલાઈના રોજ ભારે વરસાદની આગાહીના પગલે વડોદરા શહેરની સ્કૂલો અને કૉલેજો બંધ રાખવાનો તંત્ર નિર્ણય લીધો છે. જિલ્લા કલેકટરે એક જાહેરનામું બહાર પાડીને વડોદરા શહેર અને જિલ્લાની તમામ આંગણવાડીઓ સ્કૂલો અને કૉલેજોમાં રજા જાહેર કરી છે. સાથે સાથે આ આદેશનો ભંગ કરનાર સંસ્થાઓ સામે કાર્યવાહી પણ કરવાની ચીમકી આપી છે. આ પહેલા પણ ભારે વરસાદની આગાહીના કારણે ગત સપ્તાહે વડોદરા શહેર જિલ્લાની સ્કૂલો બે દિવસ બંધ રાખવામાં આવી હતી.
છોટા ઉદેપુરમાં આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર
હવામાન વિભાગ દ્વારા છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે વહીવટી તંત્ર પૂર્ણ રીતે ઍલર્ટ મોડ પર આવી ગયું છે. વાતાવરણની ગંભીરતા અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટરે આવતીકાલે (31મી જુલાઈ) તમામ પ્રાથમિક શાળાઓમાં સત્તાવાર રજા જાહેર કરવાનો નિર્ણય લીધો છે.
નર્મદા જિલ્લામાં તમામ શાળાઓમાં રજા જાહેર
હવામાન વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવતા જ જિલ્લા તંત્ર સંપૂર્ણપણે ઍલર્ટ થઈ ગયું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા આવતીકાલે 31 જુલાઇએ તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લામાં SDRF અને NDRFની ટીમોને પણ તૈનાત કરી દેવાઈ છે. નાગરિકોની સલામતી માટે તંત્ર દ્વારા નદી કે ઝરણાં જેવા વિસ્તારોથી દૂર રહેવા અને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.
વલસાડમાં 31 જુલાઈએ શાળાઓમાં રજા જાહેર
વાવાઝોડા અને અતિભારે વરસાદની આપવામાં આવેલી આગાહીના પગલે વલસાડ જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર તારીખ 31 જુલાઈ 2026 (શુક્રવાર) ના રોજ વલસાડ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જણાવાયું છે કે બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે શાળાઓએ શક્ય હોય તો ઓનલાઇન (ONLINE) માધ્યમથી શિક્ષણ કાર્ય ચાલુ રાખવાનું રહેશે.
