ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડમાં આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ રમી રહી છે. આ ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૧૦ જુલાઈથી એક ઐતિહાસિક ટેસ્ટ મેચ રમાશે. આ મેચ લંડનના ઐતિહાસિક લોર્ડ્સ (Lord’s) ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાવાની છે. આ ખાસ મેચ માટે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે (ECB) ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે.
નેટ સાયવર-બ્રન્ટ સંભાળશે ટીમની કમાન
ભારત સામેની આ એકમાત્ર ટેસ્ટ મેચ માટે ઇંગ્લેન્ડની ટીમમાં મોટો ફેરફાર કરાયો છે. આ મેચમાં નેટ સાયવર-બ્રન્ટ (Nat Sciver-Brunt) ઇંગ્લેન્ડની કેપ્ટનશીપ કરતી જોવા મળશે. જ્યારે ભારતીય ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં રહેશે. બીસીસીઆઈએ ભારતની ટીમ પહેલા જ જાહેર કરી દીધી હતી.
લોર્ડ્સના મેદાન પર પ્રથમ વખત મહિલા ટેસ્ટ
ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના મેદાન પર અત્યાર સુધી ઘણી ઐતિહાસિક મેચો રમાઈ છે. પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત આ મેદાન પર કોઈ મહિલા ટેસ્ટ મેચ રમાશે. આ કારણે બંને ટીમના ખેલાડીઓ માટે આ મુકાબલો ખૂબ જ ખાસ બની રહેશે. ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલ ૫ જુલાઈએ રમાશે અને તેના બરાબર ૫ દિવસ બાદ આ ટેસ્ટ શરૂ થશે.
૩ નવા ચહેરાઓને મળી તક
ઇંગ્લેન્ડની ટીમમાં અનુભવી ખેલાડી હીથર નાઇટ, એમી જોન્સ અને સોફી એક્લેસ્ટોનને સ્થાન મળ્યું છે. આ સિવાય એલિસ કેપ્સી, ટિલી કોર્ટીન-કોલમેન અને મેડી વિલિયર્સને પ્રથમ વખત ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હેડ-ટુ-હેડ રેકોર્ડ
મહિલા ટેસ્ટ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ મેચ વર્ષ ૧૯૮૬માં રમાઈ હતી. અત્યાર સુધીમાં બંને ટીમો વચ્ચે કુલ ૧૫ ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાંથી ભારતીય મહિલા ટીમે ૩ મેચ જીતી છે, જ્યારે ઇંગ્લેન્ડે માત્ર ૧ મેચ જીતી છે. આ સિવાય ૧૧ મેચ ડ્રો રહી છે. બંને ટીમો વચ્ચે છેલ્લી ટેસ્ટ વર્ષ ૨૦૨૩માં રમાઈ હતી.
ઇંગ્લેન્ડની ૧૫ સભ્યોની ટીમ:
નેટ સાયવર-બ્રન્ટ (કેપ્ટન), ટેમી બ્યુમોન્ટ, લોરેન બેલ, માયા બાઉચિયર, એલિસ કેપ્સી, ટિલી કોર્ટીન-કોલમેન, સોફી એક્લેસ્ટોન, લોરેન ફાઇલર, એમી જોન્સ, હીથર નાઇટ, એમ્મા લેમ્બ, ગ્રેસ પોટ્સ, એલી થ્રેલકેલ્ડ, મેડી વિલિયર્સ, ઇઝી વોંગ.
< /p>
