ગુજરાત સહિત દેશભરમાં સાયબર ફ્રોડના ગુનાઓ સતત વધી રહ્યા છે. ગરીબ લોકોને નાણાકીય લાલચ આપી તેમના નામે ‘મ્યૂલ બેન્ક એકાઉન્ટ’ ખોલાવવાનું એક મોટું રેકેટ અમદાવાદમાં પકડાયું હતું. CID સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, આ આરોપીઓ ગણતરીના દિવસોમાં જ જામીન પર મુક્ત થઈ ગયા છે. આ ઘટનાને પગલે સાયબર ક્રાઈમની તપાસ પદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે.
કોર્ટે તપાસ એજન્સી સામે કર્યા આકરા અવલોકનો
અમદાવાદ મેટ્રો કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી. એચ. ખંભાતીએ ત્રણેય આરોપીઓને ₹15,000ના શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. જામીન મંજૂર કરતી વખતે કોર્ટે સરકારી તપાસ સામે મહત્વની ટિપ્પણીઓ કરી:
-
પોલીસ ફરિયાદની હકીકતો જોતાં આ ગુનામાં ભોગ બનનાર (વિક્ટીમ) કોણ છે, તેનો કોઈ જ સ્પષ્ટ ઉલ્લેખ નથી.
-
આરોપીઓ 72 કલાક સુધી પોલીસ રિમાન્ડ પર હોવા છતાં તેમની પાસેથી કોઈ નક્કર હકીકત બહાર લાવી શકાઈ નથી.
-
આરોપીઓને વધુ સમય કસ્ટડીમાં રાખવા માટે કોર્ટને કોઈ યોગ્ય કારણ જણાયું નથી.
માત્ર આશંકાના આધારે ધરપકડ કરાઈ હોવાની દલીલ
કોર્ટમાં આરોપીઓ તરફથી વકીલે દલીલ કરી હતી કે પોલીસે માત્ર આશંકા અને શક્યતાઓના આધારે જ આ અટકાયત કરી છે. ફરિયાદમાં કોઈ ભોગ બનનારનો ઉલ્લેખ નથી અને રિમાન્ડ દરમિયાન પણ કંઈ વાંધાજનક મળ્યું નથી. વળી, આ ગુનામાં કાયદાકીય જોગવાઈ મહત્તમ 7 વર્ષ સુધીની સજાની જ છે. આરોપીઓ કોર્ટની તમામ શરતોનું પાલન કરવા તૈયાર હોવાથી તેમને જામીન આપવામાં આવ્યા છે.
શું હતો સમગ્ર મામલો?
તાજેતરમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી મ્યૂલ બેન્ક એકાઉન્ટ્સ દ્વારા ₹324 કરોડથી વધુના કાળા નાણાંની હેરફેરનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ CID સાયબર ક્રાઈમને બાતમી મળી હતી કે અમરાઈવાડી વિસ્તારમાં કેટલીક બોગસ પેઢીઓ ઊભી કરી કરોડો રૂપિયાનું રેકેટ ચલાવાઈ રહ્યું છે.
આ બાતમીના આધારે પોલીસે 14 જુલાઈ 2026ના રોજ સી.ટી.એમ. વિસ્તારમાંથી ત્રણ આરોપીઓ પટેલ દીક્ષિત, સુમિત સોની અને પટેલ નિકુંજકુમારને ઝડપી લીધા હતા. તેમની પાસેથી લેપટોપ, મોબાઈલ, 32 ડેબિટ કાર્ડ અને 8 ચેકબુક જપ્ત કરાયા હતા.
મુખ્ય સૂત્રધારો હજુ પણ પોલીસ પકડથી દૂર
આ કેસના બે મુખ્ય સૂત્રધારો ગોવિંદ પટેલ અને ધોળકાનો રાજુભાઈ ઉર્ફે ડેવિલ હજુ પણ પોલીસ પકડથી દૂર નાસતા ફરે છે. આટલા મોટા સાયબર રેકેટમાં માત્ર 4 જ દિવસમાં આરોપીઓ જામીન પર બહાર આવી જતાં સાયબર ક્રાઈમની નબળી ચાર્જશીટ અને તપાસની ઢીલી પદ્ધતિ પર કાનૂની વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
