ઓગસ્ટ મહિનો પૂર્ણ થવાની સાથે જ નવા મહિનાની પહેલી તારીખથી દેશમાં સામાન્ય નાગરિકના ખિસ્સા અને દૈનિક જીવનને સ્પર્શતા અનેક મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવી રહ્યા છે. ૧ સપ્ટેમ્બરથી LPG સિલિન્ડરના ભાવ, ગેસ કનેક્શનના નિયમો, વાહનોની કિંમતો તેમજ હવાઈ મુસાફરી સાથે જોડાયેલા નિયમોમાં મોટા બદલાવ જોવા મળશે.
૧. એલપીજી સિલિન્ડર અને ATFના ભાવમાં સુધારો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડર અને એર ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના સુધારેલા દરો જાહેર કરે છે. ૧ સપ્ટેમ્બરે જાહેર થનારા નવા દરોની સીધી અસર રસોડાના બજેટ તેમજ હવાઈ મુસાફરીના ભાડાં પર પડશે. અગાઉ ઓગસ્ટમાં ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં ૨૦૨ રૂપિયાનો ઘટાડો કરાયો હતો, જ્યારે ૧૪.૨ કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર રખાયા હતા.
૨. એલપીજી e-KYC પૂર્ણ કરવાની ડેડલાઇન IOCL, BPCL અને HPCL દ્વારા ઘરેલું ગેસ સિલિન્ડરના ગ્રાહકો માટે e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ ૩૧ ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી. જો ગ્રાહકો આ સમયમર્યાદામાં પોતાની e-KYC પ્રક્રિયા પૂર્ણ નહીં કરે, તો ૧ સપ્ટેમ્બરથી સબસિડી અથવા નિયમિત દરે ગેસ સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડી શકે છે તેમજ વધારાનો આર્થિક બોજ આવી શકે છે.
૩. ટાટા અને હ્યુન્ડાઈની કારો મોંઘી થશે નવા વાહનની ખરીદીનું પ્લાનિંગ કરી રહેલા લોકો માટે ૧ સપ્ટેમ્બરથી ઝટકો લાગશે. ટાટા મોટર્સે પોતાની તમામ વેરિઅન્ટની પેસેન્જર કાર્સ અને એસયુવીના ભાવમાં રૂપિયા ૨૫,૦૦૦ સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. તેની સાથે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા પણ ચાલુ વર્ષે ત્રીજી વખત પોતાની કારોના ભાવમાં વધારો કરવા જઈ રહી છે.
૪. દૂધના ભાવમાં તોતિંગ વધારો (મુંબઈ) ૧ સપ્ટેમ્બરથી મુંબઈમાં તબેલાના છૂટક દૂધના ભાવમાં પ્રતિ લિટરે સીધો ૯ રૂપિયાનો વધારો લાગુ થઈ રહ્યો છે. આ વધારા સાથે ૯૩ રૂપિયા પ્રતિ લિટર મળતું દૂધ હવે ૧૦૨ રૂપિયા પ્રતિ લિટરે મળશે. પશુ આહાર, ઘાસચારો અને પશુપાલન ખર્ચમાં થયેલા વધારાને કારણે દૂધ વેપારીઓએ આ નિર્ણય લીધો છે.
૫. એરપોર્ટ પર ઇમિગ્રેશન પ્રક્રિયા વધુ સરળ વિદેશ પ્રવાસ કરનારા ભારતીય મુસાફરો માટે એક રાહતજનક ફેરફાર પણ થઈ રહ્યો છે. હવે એરપોર્ટ પર ઇમિગ્રેશન કાઉન્ટર ખાતે બોર્ડિંગ પાસ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની જરૂરિયાત દૂર કરવામાં આવી છે. મુસાફરો હવે પોતાના મોબાઇલમાં ઇલેક્ટ્રોનિક બોર્ડિંગ પાસ અથવા તેની પ્રિન્ટેડ કોપી બતાવીને ઝડપથી ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.
