સરેરાશ દેવું : આજના આધુનિક યુગમાં સરળ હપ્તા (EMI) અને તાત્કાલિક લોનની સુવિધાઓએ ભારતીય પરિવારોના નાણાકીય આયોજનનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. એક સમયે બચત પર નિર્ભર રહેતો ભારતીય મધ્યમ વર્ગ હવે પોતાની દૈનિક જરૂરિયાતો અને લાઈફસ્ટાઈલ માટે ક્રેડિટ એટલે કે ઉધાર નાણાં પર નિર્ભર થઈ રહ્યો છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં યુનિક બોરોઅર્સ (સક્રિય લોન લેનારા ગ્રાહકો)ની સંખ્યા 28.3 કરોડને પાર કરી ગઈ છે. જ્યારે લોન લેનાર વ્યક્તિ દીઠ સરેરાશ દેવું વધીને ₹4,77,583 પર પહોંચી ગયું છે.
સંસદમાં રજૂ થયેલા આંકડા: ₹69.39 લાખ કરોડનું પર્સનલ ક્રેડિટ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને ક્રેડિટ બ્યુરો TransUnion CIBILના ડેટાના આધારે સંસદમાં રજૂ કરાયેલા અહેવાલ મુજબ, માર્ચ 2026 સુધીમાં દેશમાં કુલ પર્સનલ બેંક લોનનો આંકડો ₹69.39 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે, જે છેલ્લા 4 વર્ષમાં લગભગ બમણો થઈ ગયો છે.
ગોલ્ડ લોનમાં 600%નો વિસ્ફોટક ઉછાળો
આરબીઆઈ દ્વારા ટ્રેક કરવામાં આવતા વિવિધ ક્રેડિટ સેક્ટર્સમાં સૌથી વધુ વિસ્ફોટક વૃદ્ધિ સોનાના ઘરેણાં સામે અપાતી લોન (Gold Loan)માં જોવા મળી છે. છેલ્લા 4 વર્ષમાં ગોલ્ડ લોનમાં સીધો 6 ગણો (600%) ઉછાળો આવ્યો છે, જે દર્શાવે છે કે લોકો પોતાની ટૂંકા ગાળાની રોકડ જરૂરિયાતો અને વપરાશી ખર્ચ પૂરા કરવા માટે ઘરમાં રહેલા સોનાનો ઉપયોગ કરી રહ્યા છે.
ક્ષેત્રવાર પર્સનલ ક્રેડિટ ધિરાણ (રૂપિયા કરોડમાં)
હોમ લોન હજુ પણ ધિરાણનો મજબૂત આધાર
ડેટા દર્શાવે છે કે કુલ પર્સનલ ક્રેડિટમાં સૌથી મોટો હિસ્સો હજુ પણ હોમ લોનનો છે. માર્ચ 2022માં જે હોમ લોન ₹17.38 લાખ કરોડ હતી તે વધીને માર્ચ 2026માં ₹33.55 લાખ કરોડ થઈ ગઈ છે.
હવે મોટો સવાલ એ ઊભો થાય છે કે આ રીતે આડેધડ વધી રહેલું ધિરાણ ભારતીય પરિવારો માટે ભવિષ્યમાં આર્થિક સમૃદ્ધિ લાવશે કે પછી દેવાનો મોટો બોજ બનીને ઊભરશે?
