અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદના બાબરકોટ વિસ્તારમાં આવેલા ૭૫ હેક્ટર રિઝર્વ ફોરેસ્ટની જમીન અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને માઇનિંગ માટે આપવાની વિવાદાસ્પદ દરખાસ્ત આખરે પ્રોજેક્ટ સ્ક્રીનિંગ કમિટી દ્વારા નામંજૂર કરવામાં આવી છે. સિંહપ્રેમીઓ, સ્થાનિક ગ્રામજનો અને પર્યાવરણવિદોના ભારે આક્રોશ તેમજ કાયદાકીય મજબૂરીના કારણે કમિટીએ આ નિર્ણય લેવો પડ્યો છે.
સરકારી ચોપડે સત્ય છુપાવવાનો પ્રયાસ અને વિવાદ
વનવિભાગના પોતાના જ ‘મેનેજમેન્ટ પ્લાન’ મુજબ આ વિસ્તાર ‘કોરિડોર નંબર ૨૨’ તરીકે નોંધાયેલ છે, જ્યાં ૫૦થી ૭૫ જેટલા એશિયાટિક સિંહોનો કાયમી વસવાટ છે.
-
ખોટો રિપોર્ટ: ધારી ગીર પૂર્વના ડીસીએફ (DCF) વિકાસ યાદવ દ્વારા આ વિસ્તારમાં કોઈ સિંહ કે કોરિડોર ન હોવાનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.
-
કોર્ટના આદેશોનું ઉલ્લંઘન: હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ સિંહોના સંવેદનશીલ કોરિડોરની જમીન માઈનિંગ કે નોન-ફોરેસ્ટ ઉપયોગ માટે આપી શકાય નહીં.
-
અધિકારી સામે સવાલો: અગાઉના અધિકારીઓએ આ દરખાસ્ત સ્પષ્ટપણે ફગાવી દીધી હતી, પરંતુ કંપનીના હિત સાચવવા ખોટો રિપોર્ટ બનાવનાર અધિકારી સામે પગલાં લેવાશે કે નહીં તે અંગે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે.
દરખાસ્ત મંજૂર થઈ હોત તો શું નુકસાન થત?
જો આ ૭૫ હેક્ટર રિઝર્વ ફોરેસ્ટ જમીન માઈનિંગ માટે ફાળવી દેવામાં આવી હોત તો:
-
૫૦૦૦થી વધુ વિશાળ વૃક્ષોનું નિકંદન નીકળી જાત.
-
માઇનિંગના ધડાકા અને પ્રદૂષણના કારણે પચાસથી વધુ સિંહો વિસ્થાપિત થઈ જાત.
-
આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માનવ-સિંહ સંઘર્ષ વધવાની ભીતિ હતી.
