વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ (કાચું તેલ) ના વધતા ભાવની અસર હવે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર પડી રહી છે. યુએસ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલ મોંઘું થઈ રહ્યું છે.
આ દરમિયાન કેન્દ્ર સરકારના એક તાજા નિવેદને સામાન્ય જનતાની ચિંતામાં મોટો વધારો કર્યો છે. સરકારના જણાવ્યા અનુસાર, ઈંધણના ભાવ વધાર્યા પછી પણ સરકારી તેલ કંપનીઓને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ સંકેતો જોતા આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલ હજુ પણ મોંઘા થઈ શકે છે.
પેટ્રોલિયમ મંત્રાલયનો ચોંકાવનારો ખુલાસો
તાજેતરમાં પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા એક મીડિયા બ્રીફિંગ કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં મંત્રાલયના એડિશનલ સેક્રેટરી પ્રવીણ મલ ખાનૂજાએ જણાવ્યું કે, સરકારી તેલ કંપનીઓ (OMCs) ને અત્યારે ભારે ખોટ સહન કરવી પડી રહી છે.
તેમના જણાવ્યા મુજબ કંપનીઓને:
-
ડીઝલ પર: આશરે 30 રૂપિયા પ્રતિ લીટરનું નુકસાન
-
પેટ્રોલ પર: આશરે 6 રૂપિયા પ્રતિ લીટરનું નુકસાન
-
એલપીજી સિલિન્ડર પર: આશરે 700 રૂપિયાનું નુકસાન
આ તમામ નુકસાનને ભેગું કરવામાં આવે તો સરકારી ઓઇલ કંપનીઓને દરરોજ 600 થી 700 કરોડ રૂપિયાનું આંધણ થઈ રહ્યું છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અવરોધ મુખ્ય કારણ છે
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) દરિયાઈ માર્ગમાં ભારે અવરોધ ઊભો થયો છે. આ જ રૂટ પરથી દુનિયાભરમાં કાચા તેલની સપ્લાય થાય છે. સપ્લાય ચેઈન ખોરવાતા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા છે.
બીજી તરફ, ભારતીય તેલ કંપનીઓ સ્થાનિક ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય ભાવ કરતાં ઓછા ભાવે ઈંધણ વેચી રહી હોવાથી તેમના પર નાણાકીય દબાણ સતત વધી રહ્યું છે.
રાંધણ ગેસના ભાવમાં પણ ઝીંકાયો વધારો
મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) ના આ સંકટ વચ્ચે, ગત 7 જૂનના રોજ સરકારી તેલ કંપનીઓએ ઘરેલું એલપીજી (LPG) સિલિન્ડરની કિંમતમાં 29 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. આ યુદ્ધ શરૂ થયા પછી રસોઈ ગેસના ભાવમાં આ બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. જો વૈશ્વિક સ્થિતિ નહીં સુધરે તો આગામી દિવસોમાં મોંઘવારીનો વધુ એક મોટો ફટકો પડી શકે છે.
<
