વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ધરમપુર નજીક આવેલા ટાંકી ગામે મંગળવારે સવારે એક સ્કૂલવાન ચાલક અને ૯ વર્ષની માસૂમ બાળકી કોઝવે પર વહેતા પાણીમાં ખાબક્યા હતા. સ્થાનિક લોકોની તત્પરતાના કારણે બાળકીને હેમખેમ બચાવી લેવાઈ છે, પરંતુ સ્કૂલવાન ચાલક પાણીના જોરદાર પ્રવાહમાં લાપતા થયો છે.
કોઝવે પર પગ લપસતા સર્જાઈ દુર્ઘટના
પ્રાપ્ત માહિતી અનુસાર, ધરમપુર તાલુકાના તસ્કરી ગામે રહેતા અનિલભાઈ પટેલની પુત્રી પરી ટાંકી ગામની શાળામાં ધોરણ-૩માં અભ્યાસ કરે છે. પરી રોજિંદા નિયમ મુજબ ટાંકી ફળિયામાં રહેતા સંદીપ ધીરૂભાઈ ગાવિતની સ્કૂલવાનમાં શાળાએ જાય છે.
મંગળવારે સવારે સંદીપ ગાવિત વિદ્યાર્થીઓને શાળાએ લેવા નીકળ્યો હતો. ટાંકી ગામે આશ્રમશાળા નજીક કોઝવે પર પાણી ફરી વળ્યું હોવાથી તેણે વાન થોડે દૂર ઉભી રાખી હતી. સંદીપ બાળકી પરીને હાથ પકડીને કોઝવે પરથી પસાર થઈ વાન તરફ જઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેનો પગ લપસ્યો હતો અને બંને પાણીના ધસમસતા પ્રવાહમાં ખાબક્યા હતા.
સ્થાનિકોએ બાળકીને બચાવી, વાન ચાલક લાપતા
આ અકસ્માત જોતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ ૯ વર્ષની પરીને પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લીધી હતી. જો કે, વાન ચાલક સંદીપ ગાવિત પાણીમાં ડૂબી ગયો હતો અને જોતજોતામાં લાપતા થઈ ગયો હતો.
NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
ઘટનાની જાણ થતાં જ ટાંકી-તુંબી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
લાપતા સંદીપને શોધવા માટે તાત્કાલિક NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમને બોલાવવામાં આવી હતી. NDRFના જવાનોએ પાણીના ભારે પ્રવાહ વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે. જો કે, સાંજ સુધી સંદીપની કોઈ ભાળ ન મળતા તેના પરિવારજનો ચિંતામાં મૂકાયા છે.
ભારે વરસાદ છતાં શાળા ચાલુ રખાતા લોકોમાં રોષ
ધરમપુર પંથકમાં છેલ્લા ૨૪ કલાકથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. નદી-નાળા અને કોઝવે પાણીમાં ગરકાવ છે. આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં આશ્રમશાળાના સંચાલકો દ્વારા શાળામાં રજા જાહેર ન કરવામાં આવી હોવાથી સ્થાનિક લોકો અને વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો વહીવટી તંત્રે અગાઉથી રજા આપી હોત તો આ દુર્ઘટના ટળી શકી હોત.
