સુરતમાં ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય કાંતિ બલની ઑફિસમાં TP કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને કોર્પોરેટરના પતિ મનહર વોરા વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. મનહર વોરાએ મારપીટનો આરોપ લગાવ્યો, જ્યારે દેસાઈએ નકારી કાઢ્યો. આ ઘટનાથી ભાજપની શિસ્ત અને વિશ્વસનીયતા પર સવાલો ઊભા થયા છે.
સુરત ભાજપમાં આંતરિક વિખવાદ આવ્યો ચૌટા વચાળે
સુરત ભાજપમાં આંતરિક વિખવાદ હવે જાહેરમાં છલકાયો છે. ધારાસભ્યની ઑફિસમાં ટીપી કમિટીના ચેરમેન અને મહિલા કોર્પોરેટરના પતિ વચ્ચે થયેલી ઘટના અંગે કોઈ ઝપાઝપી તો કોઈ મારામારી અને ફ્રેક્ચરના દાવા કરી રહ્યું છે. જો ખરેખર ગંભીર મારામારી થઈ હતી તો સિવિલ હૉસ્પિટલમાં મેડિકલ-લીગલ સારવારના બદલે ખાનગી હૉસ્પિટલમાં સારવાર કેમ લેવાય તે સહિત અનેક સવાલો ઊભા થયા છે.
ભાજપના જ નેતાઓ એક બીજા સામે ગંભીર આક્ષેપો કરતા પક્ષની શિસ્ત અને વિશ્વસનિયતા પર પ્રશ્નાર્થ ઊભો થયો છે, ત્યારે હવે સત્ય શું છે તે બહાર લાવવાની જવાબદારી પક્ષના નેતૃત્વ પર આવી પડી છે. જો કે, શહેર ભાજપ પ્રમુખ હાલ વિદેશ હોવાથી આ મુદ્દે કોણ આગેવાની લેશે તે ચર્ચાનો વિષય બન્યો છે.
ધારાસભ્યની ઑફિસમાં જ સભ્યો વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી
સુરત પાલિકાના ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય કાંતિ બલની ઑફિસમાં સોમવારની મિટિંગ ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ધારાસભ્યની ઑફિસમાં યોજાયેલી બેઠક દરમિયાન ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વાતાવરણ ગરમાતાં ઝપાઝપી થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે, મહિલા કોર્પોરેટર અને તેમના પતિનો દાવો છે કે તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી અને બંનેને ઈજા થતાં સારવાર લેવી પડી હતી.
બીજી તરફ, ટીપી કમિટીના ચેરમેન મારપીટના આક્ષેપોને નકારી માત્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હોવાનું જણાવ્યું છે. ધારાસભ્યે પણ ઝપાઝપી થઈ હોવાની વાત કરી હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સમયે હાજર રહેલાં કેટલાક લોકોના જણાવ્યા મુજબ, ટીપી કમિટીના ચેરમેન સિવાય અન્ય એક કોર્પોરેટર સાથે પણ મહિલા કોર્પોરેટરના પતિની બોલાચાલી થઈ હતી અને તે દરમિયાન તમાચા માર્યાની ચર્ચા પણ સામે આવી છે. જો કે, આક્ષેપોનો કેન્દ્રબિંદુ માત્ર ટીપી કમિટીના ચેરમેન બનતા ઘટનાને લઈને અનેક અટકળો ચાલી રહી છે.
ભાજપના જ પ્રતિનિધિઓના આરોપ-પ્રત્યારોપ
વિવાદ બાદ મહિલા કોર્પોરેટર અને તેમના પતિએ ટીપી કમિટીના ચેરમેન સામે ગેરકાયદે બાંધકામોના મુદ્દે ભેદભાવ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે. ભાજપના જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાહેરમાં એકબીજા સામે આરોપ-પ્રત્યારોપ કરતા પક્ષની આંતરિક સ્થિતિ ચર્ચાનો વિષય બની છે.
ખાનગી હૉસ્પિટલમાં સારવારને લઈને અનેક સવાલો
સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચર્ચા સારવારના મુદ્દે થઈ રહી છે. જો ખરેખર ગંભીર મારામારી થઈ હતી તો મેડિકલ-લીગલ પ્રક્રિયા માટે સિવિલ હૉસ્પિટલમાં સારવાર કેમ લેવામાં આવી નહીં અને ખાનગી હૉસ્પિટલમાં જ સારવાર કેમ કરવામાં આવી તેવા સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ, ફ્રેક્ચરના દાવા અંગે પણ વિવિધ ચર્ચા ચાલી રહી છે. હવે આ સમગ્ર મામલે હકીકત શું છે અને જવાબદારી કોની છે તે સ્પષ્ટ કરવા માટે પક્ષનું નેતૃત્વ અને તપાસ બંને પર સૌની નજર મંડાઈ છે.
ડિમોલિશન મુદ્દે ટીપી ચેરમેન સામે ગંભીર આક્ષેપો, પાટીદારોને ટાર્ગેટ કરવાનો દાવો
ધારાસભ્યની ઑફિસમાં થયેલી બેઠક દરમિયાન ડિમોલિશનનો મુદ્દો પણ ઉગ્ર બન્યો હતો. મહિલા કોર્પોરેટરના પતિએ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન સામે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, વરાછા અને કતારગામ વિસ્તારમાં સૌરાષ્ટ્રવાસી તથા પાટીદાર સમાજના ઉદ્યોગકારોને નિશાન બનાવી તેમની મિલકતો સામે ડિમોલિશન કાર્યવાહી કરાવવામાં આવી રહી છે. તેમના આક્ષેપ મુજબ, પાલિકાની ચૂંટણીમાં ભાજપને સમર્થન આપનારા લોકોના બાંધકામ સામે જ અરજી કરાવી કાર્યવાહી કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના કારણે ભાજપમાં ભૂકંપ થઈ ગયો છે.
