Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ૬૦૦ મુસાફરો ક્ષમતાવાળી નવી ક્રૂઝ લોન્ચ, આધુનિક સુવિધાઓથી સજ્જ

સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ૬૦૦ મુસાફરો ક્ષમતાવાળી નવી ક્રૂઝ લોન્ચ, આધુનિક સુવિધાઓથી સજ્જ

નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષક સુવિધાનો ઉમેરો થયો છે. નર્મદા નદીમાં ૬૦૦ પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી નવી ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવી ક્રૂઝ તમામ જરૂરી સુરક્ષા ધોરણોનું પાલન કરીને તેમજ સંબંધિત વિભાગોની પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ પ્રવાસીઓની સેવામાં ઉપલબ્ધ કરાવાશે.

વધતી માંગને ધ્યાનમાં રાખીને વિશાળ ક્રૂઝનું આયોજન

સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે અગાઉથી ૨૦૦ પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ક્રૂઝ સફળતાપૂર્વક સંચાલિત થઈ રહી છે, જેને પ્રવાસીઓ તરફથી અત્યંત સારો પ્રતિસાદ મળ્યો છે. પ્રવાસીઓની સતત વધતી સંખ્યા અને માંગને ધ્યાનમાં રાખીને હવે વધુ વિશાળ અને આધુનિક સુવિધાઓ ધરાવતી નવી ક્રૂઝ સેવા લોન્ચ કરવામાં આવી છે.

આ નવી ક્રૂઝ માત્ર નદીમાં પ્રવાસ માટે જ નહીં પરંતુ વિવિધ પ્રકારના સામાજિક, સાંસ્કૃતિક અને કોર્પોરેટ કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. ક્રૂઝ પર જન્મદિવસની ઉજવણી, કોર્પોરેટ ઇવેન્ટ્સ, સંગીત સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ખાનગી સમારંભોનું આયોજન કરી શકાશે.

નવી ક્રૂઝની મુખ્ય ખાસિયતો

સુવિધા / પરિમાણ વિગત
મુસાફરી ક્ષમતા ૬૦૦ પ્રવાસીઓ
ડાઇનિંગ ક્ષમતા ૨૫૦ લોકો માટે બેસવાની સુવિધા
પરિમાણ (કદ) લંબાઈ: ૩૦ મીટર | પહોળાઈ: ૧૨ મીટર
સ્ટેજ સુવિધા ૫ x ૪ મીટરનું વિશાળ સ્ટેજ
લાઇટિંગ & લુક આકર્ષક ડેકોરેટિવ નાઇટ લાઇટિંગ
ઇવેન્ટ્સ સપોર્ટ સેલિબ્રેશન, પાર્ટી, કોર્પોરેટ ઇવેન્ટ્સ અને પ્રોડક્ટ લોન્ચ

રાત્રિના સમયે ક્રૂઝનું સૌંદર્ય અનેકગણું વધી જશે

નવી ક્રૂઝને વધુ આકર્ષક બનાવવા માટે તેમાં વિશેષ ડેકોરેટિવ લાઇટિંગની સુવિધા આપવામાં આવી છે, જેના કારણે ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે ક્રૂઝનું સૌંદર્ય અનેકગણું વધી જશે.

નવી ક્રૂઝ કદ, ક્ષમતા અને સુવિધાઓની દ્રષ્ટિએ હાલની ક્રૂઝ કરતાં નોંધપાત્ર રીતે વધુ આધુનિક અને વિશાળ છે. વિશાળ ડાઇનિંગ વિસ્તાર અને મોટા સ્ટેજને કારણે મોટા પાયે કાર્યક્રમોનું આયોજન સરળતાથી કરી શકાશે.

પ્રવાસન અને સ્થાનિક રોજગારીને મળશે વેગ

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન સાથે હવે પ્રવાસીઓ નર્મદા નદીમાં આ ભવ્ય અને આધુનિક ક્રૂઝનો પણ આનંદ માણી શકશે, જે તેમની મુલાકાતને વધુ યાદગાર બનાવશે. આ નવી સુવિધાથી ગુજરાતના પર્યટન વિકાસને વધુ વેગ મળશે તેમજ સ્થાનિક રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળશે.


સંબંધિત પોસ્ટ્સ

નૂર અહમદના ધાકડ કમબેક પાછળ કોનો હાથ? 4 મેચમાં માત્ર 1 વિકેટ લેનાર સ્પિનરે કેવી રીતે પલટી નાખી બાજી!

praxpatel

ભારતીય મસાલાની નિકાસમાં 74%નો મસમોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં

praxpatel

‘દુનિયા વિનાશ તરફ, માત્ર ભારત જ યુદ્ધ અટકાવી શકે છે’: મિડલ ઈસ્ટ સંકટ પર મોહન ભાગવતનું મોટું નિવેદન

praxpatel