ગુજરાતમાં સાયબર ક્રાઈમની સીમાઓ હવે બેન્કોની અંદર સુધી પહોંચી ગઈ હોય તેમ લાગે છે. રાજકોટ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે દેશવ્યાપી કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ કૌભાંડમાં મોટી સફળતા મેળવી છે. આ કેસમાં યસ બેન્ક ના એક વર્તમાન અને બે ભૂતપૂર્વ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.
યસ બેન્ક કર્મચારીઓની શું હતી ભૂમિકા?
તપાસમાં બહાર આવ્યું છે કે યસ બેન્ક અધિકારીઓએ સાયબર માફિયાઓ સાથે મળીને આ કૌભાંડમાં મદદ કરી હતી. પકડાયેલા આરોપીઓની વિગત નીચે મુજબ છે:
-
મૌલિક રામજી કમાણી: હાલ યસ બેન્ક માં પર્સનલ બેન્કર તરીકે કાર્યરત.
-
કલ્પેશ વિઠ્ઠલભાઈ ડાંગરીયા: યસ બેન્કના પૂર્વ મેનેજર (હાલ અન્ય બેન્કમાં).
-
અનુરાગ ચંદુભાઈ બાલધા: પૂર્વ પર્સનલ બેન્કર (હાલ અન્ય બેન્કમાં).
આ અધિકારીઓએ પડધરીના મોવિયા શાખામાં ફરજ દરમિયાન શંકાસ્પદ વ્યવહારોમાં મદદ કરી હોવાનું ખુલ્યું છે. કોર્ટે આ ત્રણેય આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કૌભાંડનો આંકડો રૂ. 2500 કરોડે પહોંચ્યો
શરૂઆતમાં આ કૌભાંડ 1500 કરોડનું હોવાનું મનાતું હતું, પરંતુ તપાસ આગળ વધતા આંકડો 2500 કરોડ સુધી પહોંચી ગયો છે.
-
85 બેન્ક ખાતા: કુલ 85 ખાતાઓમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હતા.
-
74 કરોડનું ફ્રોડ: આ ખાતાઓમાં સાયબર ફ્રોડની સીધી 74 કરોડની રકમ જમા થઈ હતી.
-
535 ફરિયાદો: આ કૌભાંડ અંતર્ગત આખા દેશમાંથી કુલ 535 અરજીઓ અને ફરિયાદો નોંધાઈ છે.
-
17 ધરપકડ: અત્યાર સુધીમાં પોલીસ આ કેસમાં કુલ 17 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી ચૂકી છે.
CA દ્વારા ઊંડી તપાસ શરૂ
આ જટિલ આર્થિક ગુનાની તપાસ માટે પોલીસે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ની નિમણૂક કરી છે. હાલમાં 35 જેટલી શંકાસ્પદ પેઢીઓ અને તેની સાથે જોડાયેલા બેન્ક એકાઉન્ટ્સનું ઓડિટ કરવામાં આવી રહ્યું છે. પોલીસને આશંકા છે કે તપાસના અંતે કૌભાંડનો આંકડો હજુ પણ વધી શકે છે.
તપાસ કોણે કરી?
પડધરી પોલીસ મથકમાં નોંધાયેલા આ ગુનાની તપાસ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ આર. જે. ગોધમ ચલાવી રહ્યા છે. બેન્કિંગ ક્ષેત્રના લોકોની સંડોવણી બહાર આવતા સમગ્ર રાજ્યના બેન્કિંગ આલમમાં ફફડાટ ફેલાયો છે.
