સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ના પત્ની વર્ષા વસાવાએ એક સનસનીખેજ દાવો કર્યો છે. તેમણે જાહેર મંચ પરથી જણાવ્યું કે, ભાજપના નેતા નિલભાઈ રાવે સાત ટર્મના સાંસદ મનસુખ વસાવા ને એક બેઠક દરમિયાન લાફો મારી દીધો છે. ડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવાએ એક સંબોધનમાં સાંસદ મનસુખ વસાવાનું નામ લઈને દાવો કર્યો હતો કે ભાજપના નિલભાઈ રાવે સાંસદને બેઠકમાં લાફો મારી દીધો છે. જેના જવાબમાં મનસુખ વસાવાએ કહ્યું કે આમ આદમી પાર્ટી ખૂબ જ નિમ્ન કક્ષાનું રાજકારણ કરી રહી છે, સામાન્ય બોલાચાલી થઈ હતી પણ મારામારી થઈ ન હતી.
વર્ષા વસાવાએ શું કર્યા પ્રહાર?
વર્ષા વસાવાએ ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું:
-
ચૈતર વસાવા પ્રજાની વચ્ચે રહે છે, તેથી સરકાર તેમને ખોટા કેસમાં જેલમાં મોકલે છે.
-
મનસુખ વસાવા જેવા વડીલ નેતાએ ભાજપના જ નેતાનો લાફો ખાવો પડે તે શરમજનક છે.
-
તેમણે લોકોને અપીલ કરી કે આ અપમાન અને અન્યાયનો બદલો લેવાનો સમય આવી ગયો છે.
મનસુખ વસાવાનો વળતો જવાબ
લાફો મારવાના દાવા પર પ્રતિક્રિયા આપતા સાંસદ મનસુખ વસાવાએ ‘આમ આદમી પાર્ટી’ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું:
-
“કોઈ મારામારી થઈ નથી”: પાર્ટીની આંતરિક બેઠકમાં નિલભાઈ રાવ સાથે માત્ર કામ બાબતે સામાન્ય ચર્ચા અને વાદ-વિવાદ થયો હતો.
-
“નિમ્ન કક્ષાનું રાજકારણ”: આપ પાસે કોઈ મુદ્દા ન હોવાથી તેઓ જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે.
-
ટાર્ગેટ કરવાનું કારણ: મેં વિસ્તારમાં મજબૂત કામ કર્યું હોવાથી વિરોધીઓ મને બદનામ કરવા માંગે છે.
મનસુખ વસાવાએ વધુમાં ઉમેર્યું કે વર્ષાબેન પોતાની મરજીથી નહીં, પરંતુ પાર્ટીના દબાણ હેઠળ આવું બોલી રહ્યા છે.
