અમેરિકાના પૂર્વ રાજદૂત અને ડેમોક્રેટિક નેતા રેહમ ઈમેન્યુઅલ એ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતિની આકરી ટીકા કરી છે. તેમણે દાવો કર્યો છે કે ટ્રમ્પના શાસનમાં ભારત અને અમેરિકાના સંબંધો નબળા પડ્યા છે. પૂર્વ રાજદૂત રેહમ ઈમેન્યુઅલે ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતિ પર તીખો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ટ્રમ્પની નીતિઓએ ભારત-અમેરિકા સબંધોને નબળા કર્યા છે અને જો હું પ્રમુખ બનીશ તો આ સબંધોને ફરીથી મજબૂત બનાવવાની દિશામાં કામ કરીશ. આમ, રેહમ ઈમેન્યુઅલ ટ્રમ્પની ટીકા કરીને ભારતને એવો ભરોસો આપવા માંગે છે કે તેમની સરકાર ભારત સાથે વધુ સકારાત્મક અને મજબૂત ભાગીદારી કરવા માટે તૈયાર છે.
ભારત-અમેરિકા સંબંધો પર મોટું નિવેદન રેહમ ઈમેન્યુઅલ
એક ઈન્ટરવ્યુ દરમિયાન રેહમ ઈમેન્યુઅલ એ જણાવ્યું કે, “જો હું અમેરિકાનો પ્રમુખ બનીશ તો ભારત સાથેની ભાગીદારીને ફરીથી મજબૂત બનાવીશ.” તેમણે ઉમેર્યું કે છેલ્લા 30 વર્ષમાં દરેક પ્રમુખે ભારતને નજીક લાવવાના પ્રયાસ કર્યા, પરંતુ ટ્રમ્પે આ મહેનત પર પાણી ફેરવી દીધું છે.
ટ્રમ્પની નીતિઓ સામે સવાલ
રેહમ ઈમેન્યુઅલ એ ટ્રમ્પ વહીવટીતંત્ર પર ગંભીર આરોપો લગાવ્યા છે:
-
સહયોગી દેશોમાં અસંતોષ: ટ્રમ્પના વલણને કારણે ભારત, જાપાન અને કોરિયા જેવા દેશો અમેરિકાથી દૂર થઈ રહ્યા છે.
-
પાકિસ્તાન તરફ ઝુકાવ: ઈમેન્યુઅલના મતે, ટ્રમ્પે ઘણીવાર ભારત કરતા પાકિસ્તાનનો પક્ષ લીધો છે, જે જોખમી છે.
-
સૈન્ય તણાવ: ગયા વર્ષે ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ વખતે ટ્રમ્પના નિવેદનો ભારત વિરોધી હોવાનો તેમણે દાવો કર્યો હતો.
2028ની ચૂંટણી પર નજર
ઈલિનોઈસના પૂર્વ પ્રતિનિધિ રેહમ ઈમેન્યુઅલ 2028ની પ્રમુખપદની ચૂંટણીમાં ઉતરશે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ નિવેદનને તેમની ચૂંટણી પ્રચારની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે. હાલમાં ઈરાન સંઘર્ષ બાદ ટ્રમ્પની લોકપ્રિયતામાં પણ ઘટાડો જોવા મળ્યો છે, જેનો ફાયદો ડેમોક્રેટ્સ લેવા માંગે છે.
